સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th November 2019

વિરનગરથી જસદણ સુધી ગાંધીજીની ૧પ૦મી જન્મ-જયંતિ નિમિત્તે યાત્રા : ભાજપ હોદ્દેદારોની જાહેરાત

મોહનભાઇ કુંડારીયા, ડો. ભરતભાઇ બોઘરા સહિતના જોડાયા

આટકોટ, તા. ૧પ : જસદણના વિરનગરથી જસદણ સુધી ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિ નિમિત્તે સાંસદ મોહનભાઇ અને જસદણના પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરા દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિરનગરથી આ યાત્રાનો સવારે પ્રારંભ થયો હતો ત્યાર બાદ આટકોટ ખાતે સાંસદ મોહનભાઇ કુંડારીયાની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ ડો. આંબેડકર ભવનનું સાંસદ અને પૂર્વ ધારાસભ્ય ડો. ભરત બોઘરા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વિરનગર ખાતે પરેશ રાદડીયા તેમજ આટકોટ ખાતે દેવશીભાઇ ખોખરીયા સહિત ભાજપના અગ્રણીઓ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ જસદણ ખાતે ભાજપ કાર્યાલયમાં યાત્રા પહોંચી હતી જયાં જસદણ તાલુકા અને શહેર પ્રમુખો અને મહામંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજકારણમાં કયારેય કોઇ મિત્ર કે દુશ્મન નથી હોતો તેવો ઘાટ જસદણ તાલુકા ભાજપ પ્રમુખની વરણીમાં થયો હતો. હાલમાં વરાયેલા જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઇ રામાણી અગાઉ પ્રમુખ હતાં ત્યારે તેમની જગ્યાએ ધીરૂભાઇ રામાણી કમળાપુર વાળાને પ્રમુખ બનાવવામાં આવ્યા હતાં. એ સમયે ધારાસભાની પેટા ચૂંટણી હતી ત્યારે વલ્લભભાઇ રામાણીને મતદાનમાં સામાન્ય વોર્ડની જવાબદારી પણ આપવામાં નહોતી આપી. આજે ફરી તેઓ જસદણ તાલુકા ભાજપ પ્રમુખ બનતા ભારે ચર્ચા જાગી છે.

ગઇકાલે વિંછીયા તાલુકા અને શહેર ભાજપના હોદેદારોની પણ જાહેરાત અમરાપુર ખાતેથી કરવામાં આવી હતી.

(11:55 am IST)