સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 15th October 2019

પ્રભાસપાટણના શાંતિનગરમાં તંત્રએ રસ્તાઓ ખોદી નાખ્યા અને ભૂલી ગયા !!

તંત્રના લીધે ૫૦૦૦થી વધુ લોકો પરેશાન : ભારે રોષ

પ્રભાસપાટણના શાંતિનગરમાં ચોમાસા પુર્વે ખોદેલા રસ્તા હજુ તંત્રને રીપેર કરવામાં રસ ન હોય લોકો આ રસ્તાથી થાકી ગયા છે. તસ્વીરમાં ખોદાયેલા રસ્તા નજરે પડે છે. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ)

પ્રભાસપાટણ તા.૧૫ : પ્રભાસપાટણ વોર્ડનં.રમાં શાંતિનગર વિસ્તારમાં ઘણા સમય પહેલા રસ્તા બનાવવા માટે રોડને ખોદી નાખવામાં આવેલ અને ત્યારબાદ આ કોન્ટ્રાકટર આ ખોદેલા રસ્તાઓની કામગીરી અધૂરી મૂકીને બંધ કરી દીધેલ. શાંતિનગર સોસાયટી વિસ્તારમાં પ હજારથી વધુ લોકો વસવાટ કરે છે.

આ રસ્તામાં ચોમાસામાં પાણી ભરાવાથી મુશ્કેલી ભોગવેલ પરંતુ હવે વરસાદ બંધ થવા છતા આ રસ્તાની કામગીરી કરવામાં આવી નથી જેના કારણે સ્કુલે જતા બાળકો અને મજૂરી કામે જતા લોકો તેમજ આ વિસ્તારમાં વસવાટ કરતા તમામ લોકો આ ખરાબ રસ્તાનો સામનો કરી રહેલ છે.

આ રસ્તાઓ તાત્કાલીક રીપેર કરવા ગીર સોમનાથ યુવા ભાજપ મહામંત્રી અને ઘેડીયા કોળી સમાજ શિક્ષણ સમિતિના અધ્યક્ષ રામભાઇ સોલંકીએ ન.પા.ના ચીફ ઓફીસર, નાયબ કલેકટર વેરાવળ, સાંસદ રાજેશભાઇ ચુડાસમા અને ન.પા.ના પ્રમુખને લેખીતમાં રજૂઆત કરીને વોર્ડનં.ર અને જનતા સો., દ્વારકેશ સો. અને શાંતિનગરમાં રોડની કામગીરી તાત્કાલીક શરૂ કરવા તાત્કાલીક માંગણી કરવામાં આવેલ છે.

(12:46 pm IST)