સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th October 2018

કાલાવાડ પાસે વધુ એક સિંહનો મૃતદેહ મળ્યો : ઉંડી શોધખોળ

અધિકારીઓ દ્વારા સિંહના કુદરતી મોતનું અનુમાન :ડોક્ટર દ્વારા પીએમ કર્યા બાદ સિંહને અગ્નિદાહ અપાયો

અમદાવાદ, તા.૧૪ : જુનાગઢ જિલ્લાના ગીર પંથકની દલખાણીયા રેન્જમાં ૨૩ સિંહોના મૃત્યુની તપાસ ચાલુ છે ત્યાં વિસાવદર તાલુકાના કાલાવડ ગામની સીમમાં આજે ત્રણેક વર્ષના સિંહનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં વનવિભાગ પણ દોડતું થઇ ગયું હતું. વનવિભાગ દ્વારા મૃતક સિંહનું વેટરનરી ડોક્ટર દ્વારા પીએમ કર્યા બાદ અગ્નિદાહ આપી દેવામાં આવ્યો હતો. જો કે, હાલ કુદરતી મોત થયાનું વનવિભાગના અધિકારીઓ માની રહ્યા છે. તો બીજીબાજુ, વન્ય અને પ્રકૃતિ પ્રેમીઓ સિંહોના મોતને લઇ ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. સિંહના મોત વિશે વન વિભાગ બેદરકાર હોય તેમ તેને મૃતક સિંહનું સાથી ગ્રુપ ક્યા વિસ્તારમાં છે તે અંગેની કોઈ દરકાર લેવામાં આવી જ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, મૃતક સિંહ પહેલા બિમારી કારણે કણસ્યો હશે, પરંતુ વન વિભાગના લોકેશનમાં નહીં આવતા બિમાર સિંહને અંતે મોતને ભેટવું પડયું હોવાનું મનાઇ રહ્યું છે. ત્રણ દિવસ બાદ બાજુના વાડી માલિકને દુર્ગંધ આવતા કંઈક દુર્ઘટનાની શંકાએ તપાસ કરતા સિંહનો મૃતદેહ પડયો હતો. જેથી તેણે તુરંત જ વનવિભાગને આ અંગેની જાણ કરી હતી. બાદમાં વન વિભાગનો સ્થાનિક સ્ટાફ તથા એસીએફ, ડીસીએફ સહિતના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સાસણ સ્થિત વેટરનરી ડોક્ટરને બોલાવી તેનું પીએમ કરાવ્યું હતું. સમગ્ર બનાવ અંગે ગીર પશ્ચિમના ડીસીએફે જણાવ્યું હતું કે, સિંહનું મોત કુદરતી હોવાનું પ્રાથમિક અનુમાન છે, પરંતુ બેથી ત્રણ વર્ષના સિંહનું મોત કુદરતી હોઈ શકે તેવા સવાલો લોકોમાં ઉઠી રહયા છે. જો કે મોત અંગેનું ચોક્કસ કારણ તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.

બીજીબાજુ, ગીરમાં ૨૩ સિંહોના મોતને લઇ પોતાની ઈમેજ ખરડી ચુકેલું વન વિભાગ અગાઉ પણ સિંહોના મોતમાં ગલ્લા તલ્લા કરી ચુક્યું હોવાથી આ મૃત્યુના અપાયેલા કારણ પણ પણ સ્થાનિકોને સહજતાથી વિશ્વાસ બેસતો નથી. સિંહોના થઈ રહેલા મૃત્યુને પગલે સિંહ પ્રેમીઓ વન વિભાગ સામે આંગળી ચિંધી રહ્યા છે અને સિંહોની યોગ્ય દરકાર લેવાય તેવી જરૂરી બાબત પર વારંવાર ભાર પુર્વક માગ ઉઠાવી રહ્યા છે ત્યારે હવે બુધવારે ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડીંગ સિંહો અંગેની સુઓમોટો રિટમાં હાઇકોર્ટ શું નિર્દેશો જારી કરે છે તે જોવું પણ રસપ્રદ બની રહેશે.

(8:05 pm IST)