સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

જામનગર અને રાજકોટમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિમાં જામનગરમાંથી 5000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

રે બન્ને જિલ્લામાં સાત હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

જામનગર  અને રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે નદીમાં પૂરની સ્થિતિ છે. બન્ને શહેરમાં પૂર જેવી સ્થિતિ છે જેને કારણે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. પૂરમાં ફસાયેલા 200થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે જ્યારે બન્ને જિલ્લામાં સાત હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધી માત્ર જામનગરમાં 5000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા છે.

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લાના પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી હતી અને પૂર પ્રભાવિત લોકોને મદદનું આશ્વાસન આપ્યુ હતુ. પૂરને કારણે જામનગરમાં એક રાષ્ટ્રીય રાજમાર્ગ સિવાય સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાંથી પસાર થતા 18 રાજ્ય રાજમાર્ગને બંધ કરી દેવામાં આવ્યા છે જેને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. ભારે વરસાદને કારણે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે.

અધિકારીઓએ જણાવ્યુ કે ફોફલ નદી પર બનેલો એક પુલ તૂટી ગયો છે જેને કારણે રાજકોટ જિલ્લામાં કંડોરણા અને ગોંડલને જોડનાર રસ્તો બંધ થઇ ગયો છે. રાજકોટ અને જામનગરમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે.

ભારે વરસાદથી પ્રભાવિત બન્ને જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તરફથી ચલાવવામાં આવી રહેલા રાહત અને બચાવ કાર્યમાં મદદ માટે ભારતીય વાયુસેના, નૌસેના અને કોસ્ટગાર્ડને બોલાવવામાં આવ્યા છે. ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરોએ જામનગર જિલ્લાના કેટલાક સ્થળે ફસાયેલા 22 લોકોને બચાવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધી 150 લોકોને હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવ્યા છે જ્યારે રાજકોટમાં પણ સાત ગ્રામીણોને બચાવવામાં આવ્યા છે. આ સાથે જ રાજકોટ જિલ્લામાં 56 લોકોને આ રીતે બચાવવામાં આવ્યા છે.

(8:26 pm IST)