સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th September 2018

ઉનાના કોબમાં ઝીંગા ઉછેર કેન્દ્રમાં જનતા રેડ બાદ તંત્ર દ્વારા નોટીસો આપવાની કામગીરી

ઉના, તા. ૧પ : તાલુકાના કોબ ગામે ગેરકાયદેસર ચાલતા ઝીંગા ઉછેર કેન્દ્ર બંધ કરાવવા આ ગામના સ્ત્રીઓ પુરૂષોના ટોળાએ જનતા રેડ કરવા જતા પોલીસ ત્થા તંત્ર સ્થળ ઉપર પહોંચ્યું. પાણી ખાલી કરવા તંત્રએ ઝીંગા ઉછેર કેન્દ્રવાળાને નોટીસ આપવા કાર્યવાહી કરી છે.

ઉના તાલુકાના કોબ ગામે સીમમાં ખેતીની તથા સરકારી જમીન ઉપર સર્વે નં. ૧પ૯ પૈકી એકમાં જમીનમાં ૩ વરસથી બીન કાયદેસર ઝીંગા ઉછેર કેન્દ્ર ચાલુ છે. આ કેન્દ્રને દ્વારકા દરિયાનું ખારૂ પાણીના કયારા ભરતા આજુબાજુની ખેતીની જમીનના તળ ખારા થઇ જતા નુકશાની થાય છે. કોબ ગામ પંચાયતથા ખેડુતો દ્વારા મામલતદાર, પ્રાંત કચેરી, ગાંધીનગર રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન કરાતા ૪ દિવસ પહેલા ગામના ગ્રામ પંચાયતના રાઠોડ માનસીંગભાઇ, ભીમાભાઇ, કાનજીભાઇ, સોલંકી નવીનભાઇ, ભીમભાઇ સહિત ગ્રામજનોએ લેખીતમાં નાયબ કલેકટરને કાર્યવાહી કરવા માંગ કરી હતી. કાર્યવાહી નહી થાય તો જનતા રેડ પાડી પાળા તોડવા ચીમકી આપેલ હતી.

દિવસ પૂર્ણ થતા ગ્રામજનોનું મહિલા સાથે ર૦૦થી વધુ લોકોનું ટોળુ સીમમાં ઝીંગા ઉછેર કેન્દ્ર પાસે પહોંચતા ઉના-નવાબંદર મરીન પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જનતા રેડ પાડતા અટકાવેલ ત્યારબાદ ફીશરીઝ વિભાગના ગજેન્દ્રસિંહ ચાવડા, સુપ્રિ. કિશોરભાઇ કોટીયા દોડી આવી આગેવાનોને સમજાવેલ કે ઝીંગા ફાર્મના માલીકોએ કોર્ટમાં દાવો દાખલ કરેલ હોય હાલ કાર્યવાહી ન કરી શકાય. મામલતદાર, પ્રાંત અધિકારી પણ સ્થળ મુલાકાતે આવેલ હતાં. આગેવાનોએ તળાવ ખાલી કરવા માંગ કરેલ તેથી ફિશરીઝ વિભાગ દ્વારા કોન્ટ્રાકટરોને ઝીંગાના તળાવનું પાણી ખાલી કરવા નોટીસ આપવા તજવીજ હાથ કરી છે. લોકોમાં એવો પ્રશ્ન ઉભો થયો છે કે ઝીંગાના કોન્ટ્રાકટરોએ કોર્ટમાં ગયા છે. ફિશરીઝ વિભાગ દ્વારા તે પહેલા કેમ કાર્યવાહી ન કરી અને તમામ ઝીંગા ઉછેરના કોન્ટ્રાકટરો તથા માલિકોના લાયસન્સ રદ કરવા માંગ ાસથે લોકો બેસી ગયા છે.

તંત્ર અને લોકો વચ્ચે કોઇ સમાધાન ન થતાં હાલ ભારેલો અગ્ની છે. પોલીસ દ્વારા સ્થીતી કાબુમાં લેવા વધુ પોલીસ બોલાવી રહી છે. અને લોકોનો રોષ શાંત પાડવા અધિકારીઓ મહેનત કરી રહ્યા છે.

લોકોનું કહેવુ એવુ છે કે દરીયા કિનારે આવેલ કોબ ગામનાં ભુર્ગભ તળ ખારા થઇ ગયા છે. ચોમાસુ પાક લઇ ખેડૂતો જીવન નિર્વાહ કરે છે. એમાય ઝીંગાનાં તળાવને કારણે ખેતીનો પાક લઇ શકાતો નથી. તેથી કાયમી ધોરણે વહેલી તકે ઝીંગા ઉછેર કેન્દ્ર બંધ થવા જોઇએ. એ જ લોકોની માગણી છે.

ઉનાનાં પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી નીનામા ત્થા ફિસરીઝ પ્રજાપતિ ખાતાના અધિકારીઓએ ગ્રામજનોના આગેવાનોને સમયથી આ બાબતે ગીર સોમનાથ જીલ્લાના કલેકટરશ્રી સાથે મીટીંગ કરી નિવેડો લાવવા સંમતિ સધાતા બપોર બાદ વિખેરાઇ ગામમાં ચાલ્યા જતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. (૮.૪)

(12:38 pm IST)