સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th September 2018

જસદણ-વિંછીયા તાલુકામાં ૬૮ કરોડનાં ખર્ચે પીવાના પાણીના કામોને મંજુરી

પાણી પુરવઠા મંત્રીના તાલુકાના અનેક ગામોની માંગણીઓને મંજુરી મળી જતા યોજનાનાં લાભાર્થી ગામોમાં ખુશી છવાઈ ગઈ

આટકોટ, તા. ૧૫ :. જસદણ પૂર્વ ધારાસભ્ય અને હાલના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના પ્રયાસોથી જસદણ-વિંછીયા તાલુકાના અનેક ગામોમાં પીવાના પાણીની કાયમી મુશ્કેલી હતી જે દૂર કરવા અંદાજે ૬૮ કરોડના પીવાના પાણીના કામો મંજુર કરતા આ ગામોમાં ખુશી છવાઈ ગઈ છે.

જસદણ-વિંછીયા તાલુકાનાં અનેક ગામોમાં પીવાના પાણીની કાયમી સમસ્યાઓ હતી. આ અંગે અગાઉ અવાર-નવાર રાજ્ય સરકારમાં રજૂઆતો પણ કરવામાં આવતી હતી. આમ છતા આ ગામોમાં પીવાના પાણીની કાયમી સમસ્યા હલ થતી નહોતી.

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અગાઉ કોંગ્રેસમાં હતા ત્યારે પણ તેમણે આ અંગે રજૂઆતો કરી હોય તેઓ આ ગામોની મુશ્કેલીઓથી વાકેફ હોય તેમણે આ મુશ્કેલી દૂર કરવા અંદાજે ૬૮ કરોડના કામોને લીલી ઝંડી આપી દેતા આ ગામોમાં ખુશી છવાઈ ગઈ છે.તાજેતરમાં જ મંજુર થયેલા આ કામોના અમુક કામો તો ટૂંક સમયમાં શરૂ પણ થઈ જશે જ્યારે અમુક કામોના ટેન્ડરો ટૂંક સમયમાં બહાર પડશે.

આ યોજનાથી જસદણ-વિંછીયાના લગભગ મોટાભાગના ગામોને લાભ મળશે.

આ ઉપરાંત જસદણ-વિંછીયા તાલુકાના બીજા ૩૩ જેટલા ગામોમાં પીવાના પાણીનાં ટાંકા, મુખ્ય લાઈનમાંથી પાણીની લાઈનો - સંપ વગેરે પણ કામો કરોડોના ખર્ચે મંજુર કરવામાં આવ્યા છે.(૨-૮)

(12:38 pm IST)