સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th September 2018

ઉપલેટામાં જુગારના હાટડા પર એલસીબી ત્રાટકીઃ ૩.૨૩ લાખની રોકડ સાથે ૭ પકડાયા

લાલજી ધામી ઘરમાં જુગારનો અખાડો ચલાવતો'તોઃ સાતેય પતાપ્રેમીઓની રાજકોટ એસ.પી.કચેરીએ આગવી સરભરા કરી

ઉપલેટા તા.૧૫: અહિંના રાજમોતી નગરમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારના હાટડામાં એલસીબીએ રેઇડ કરી જુગાર રમતા ૭ શખ્સોને ૩.૨૩ લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા.

જિલ્લામાં દારૂ-જુગારની બદી નાબુદ કરવા એસ.પી. બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. વસાવા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ રમેશ બોદર ને ઉપલેટા રાજમોતી નગરમાં જુગાર ધામ ચાલતુ હોવાની બાતમી મળતા લાલજી ઘેલા ધામીના રહેણાંક મકાનમા રેડ કરતા મકાન માલીક લાલજી ધસલા ધામી,ભરત ભગવાનજી કલોલા, મનસેખ નારણ કપુપરા ઉર્ફે મીનો સંજય અરજણભાઇ વસરા, દીનેશ ભજનભાઇ નંદાણીયા, કિશોર નારણ કરમુર, મારખી ગોવા ધોયલ સહિત સાત વ્યકિતને રૂ. ૩,૨૩,૩૦૦ રોકડા તથા ૬ મોબાઇલ મળી કુલ રૂ. ૩,૪૪,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી ધરપકડ કરેલ હતી.

આ રેડની તમામ માહિતી એલ.સી.બી. પી.આઇ. વાસાવાએ એસ.પી. બલરામ મીણાને આપતા તેઓએ આ આરોપીઓને પોતાની સમક્ષ રજુ કરવાનો આદેશ કરતા આ સાતે આરોપીને રાજકોટ એસ.પી. કચેરીએ લઇ ગયાનું અને ત્યાં વિશિષ્ટ સરભરા પણ કરાઇ હોવાનુ બહાર આવેલ છે.

આ રેડમાં પી.આઇ. વસાવા ઉપરાંત અમીત પટેલ, રમેશ બોદર રવિભાઇ બારડ જયુભા વાઘેલા, મનોજ બાયલ, દિવ્યેશ સુવા સહિતની ટીમ જોડાઇ હતી.(૧.૧૫)

(12:32 pm IST)