સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th September 2018

જૂનાગઢમાં વજુભાઇ વાળાની ઉપસ્થિતિમાં કારડીયા રાજપૂત સમાજના તેજસ્વી છાત્રોનું સન્માન

જૂનાગઢ તા.૧૪ : જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી પરિસરમાં કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાના અધ્યક્ષસ્થાને  જૂનાગઢ કારડીયા રાજપૂત સમાજ આયોજીત સરસ્વતી સન્માન યોજાયો હતો. આ પ્રસંગે વજુભાઇ વાળાના હસ્તે જૂનાગઢ શહેરમાં વસતા કારડીયા રાજપૂત સમાજના લોઅર કેજીથી સ્નાતક કક્ષા સુધીના અભ્યાસક્ષેત્રે તેજસ્વી વિદ્યાર્થીઓ રાજય અને રાષ્ટ્રીય સ્તરે સમાજનું નામ રોશન કરનાર પ્રતિભાવંત વ્યકિતઓ અને સેવાનિવૃત કર્મયોગીઓનું સન્માન બહુમાન કરવામાં આવ્યુ હતુ. વિદ્યાર્થીઓને પ્રોત્સાહક પુરસ્કાર અને શિલ્ડથી સન્માનીત કરાયા હતા.

કર્ણાટક રાજયના રાજયપાલ વજુભાઇ વાળાએ ઉપસ્થિત કારડીયા સમાજના ભાઇ બહેનોને સંબોધતા જણાવ્યું હતુ કે દિકરા દિકરીને સારૂ શિક્ષણ આપો, જીવનમાં કંઇક મેળવવા કશુંક ત્યજવું પડે છે. જીવનમાં વ્યસન-ફેશન અને કુરિવાજોને તિલાંજલી આપી સમાજને પ્રગતિના સોપાનો સર કરવા આગળ વધવું જોઇએ. જે વ્યકિત પાસે અઢળક સંપતિ હશે પણ તેમની પાસે જ્ઞાન અને સંસ્કાર નહી હોય તો તે સંપતી નકામી છે.

શિક્ષણ વિભાગના નાયબ નિયામક તરીકે ફરજ બજાવતા અવનીબા મોરીએ સન્માન પ્રતિભાવ આપતા જણાવ્યું હતુ કે રાજય સરકારની પારદર્શી ભરતી પ્રક્રિયા અને આજે શ્રેષ્ઠ શિક્ષણ થકી રોજગારીની તકો પ્રાપ્ય બની છે. જીવનમાં સિધ્ધી હાંસલ કરવા સખત પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી તેમ ઉમેર્યુ હતુ. કોડીનારના અગ્રણી અને પૂર્વ મંત્રીશ્રી લક્ષ્મણભાઇ પરમારે સૌને સંગઠીત બની નારસિંહભાઇને સુચવેલ પથ પર આગળ વધવા હિમાયત કરી વટ - વ્યસન - વતન છોડી જીવનને પ્રગતિમય બનાવવા હાકલ કરી હતી.

કારડીયા રાજપુત સમાજના સભ્યોએ કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાને સાફો પહેરાવી, કારડીયા રાજપુત સમાજની બહેનોએ શમસેર અર્પણ કરી અને નારસિંહભાઇ પઢીયાર પરિવારે સ્મૃતિભેટ અર્પણ કરી સન્માન કર્યુ હતુ. આ તકે વજુભાઇ વાળાએ યોગેન્દ્રસિંહ પઢીયારને સદગત નારસિંહભાઇ પઢીયારની સ્મૃતિને તસ્વીરે જીવંત કરતી સ્મૃતિછબી અર્પણ કરી હતી.

કાર્યક્રમના પ્રારંભે જૂનાગઢ શહેર કારડીયા રાજપૂત સમાજ સંગઠનના પ્રમુખ યોગેન્દ્રસિંહજી પઢીયારે શાબ્દીક સ્વાગતમાં સમાજ સંગઠનની વિગતો રજૂ કરી સૌને આવકારતા જણાવ્યુ હતુ કે વ્યકિતના જીવનમાં ત્રણ રૂણ જેમ કે દેવ ઋણ, પિતૃઋણ અને સમાજઋણ હોય છે જે અંતર્ગત સમાજઋણમાંથી મુકત થવા શિક્ષીત દિક્ષીત બની સમાજ રાષ્ટ્ર માટે કંઇક કરવુ જોઇએ.

શ્રી અવનીબા મોરી, ૮૪ વર્ષીય રમતવિર માવસિંહજી બારડ, ચંદ્રેશ હેરમાનું સન્માનપત્ર અને શાલ પહેરાવીને વિશેષ સન્માન રાજયપાલશ્રી દ્વારા કરવામાં આવેલ. સમાજ નિવૃત અધિકારી કર્મચારીઓનુ શાલ પહેરાવીને રાજયપાલ વજુભાઇએ સન્માન કરેલ હતુ. જેમાં ડો.એ.વી.બારડ, કે.ડી.પરમાર, ભરતભાઇ પરમાર, પ્રવિણસિંહ પરમાર, રામભાઇ રાઠોડ, લાખાભાઇ ડોડીયા, જગમાલભાઇ ડોડીયા અને ઉષાબેન પરમારને સન્માનીત કરાયા હતા.

જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ, તાલાળાના માજી ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર, સમાજ અગ્રણી જેસીંગભાઇ ડોડીયા, સહકારી અગ્રણી લક્ષ્મણભાઇ યાદવ, નિવૃત ડીવાયએસપી શ્રી કે.ડી.પરમાર, કૃષિ યુનિ.ના નિવૃત કુલસચિવ એ.વી.બારડ, ૮૪ વર્ષીય રમતવીર માવસિંહજી બારડ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આભાર દર્શન પ્રતાપસિંહજી ઝાલાએ અને કાર્યક્રમને સફળ બનાવવા કારડીયા સમાજના યુવા કાર્યકરો અને મહિલા પાંખના સભ્યો અને સલાહકાર સમિતિના સભ્યોએ ખુબ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રતાપસિંહ ઝાલા તથા ડો.દિલીપસિંહ બારડે કર્યુ હતુ.(૪૫.૨)

(12:21 pm IST)