સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th September 2018

ઇન્દોરમાં નરેન્દ્રભાઇ અને ડો. સૈયદના સાહેબ વચ્ચે મુલાકાતઃ દાઉદી વ્હોરા સમાજમાં ઉત્સાહ

ત્રાસવાદી હુમલાના ખતરાને લઇને સુરક્ષા એજન્સીઓ એલર્ટ

જસદણ તા.૧૪: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઇન્દોરમાં કરબલાની બલિદાન ગાથા (વાએઝ) કરનારા વ્હોરા સમાજના સર્વોચ્ય ધર્મગુરૂ નામદાર ડો. સૈયદના સાહેબની મુલાકાતે આવ્યા તે પુર્વે ત્રાસવાદી હુમલાના ખતરાને ધ્યાને લઇ સવારથી જ તમામ સુરક્ષા એજન્સીઓએ જબરજસ્ત કિલ્લા બંધી કરી ઇન્દોર શહેરમાં પ્રત્યેક વ્યકિત પર સતત જર્મન બનાવટના અદ્યતન કેમેરા સાથે નજર નાખી રહી છે.

વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના પ૩માં દાઇ તાજદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્દલભાઇ સાહેબ સૈફદ્દીન (ત.ઉ.શ) હાલ ઇન્દોરમાં વાએઝ માટે પધારેલ છે. અને તેમની વાએઝનો આજે શુક્રવારે ત્રીજો દિવસ છે. આ દરમિયાન હાલમાં એક લાખ જેટલાં તેમના અનુયાયીઓ દેશવિદેશથી ઇન્દોરમાં આવેલ છે. વડાપ્રધાનની ઇન્દોરની આજની મુલાકાત પુર્વે ડી.આઇ.જી. મિશ્રાને તોડફોડની બાતમી મળેલ હતી. આ સંદર્ભે દરરોજ સમયસર ઇન્દોરની સેૈફીનગર મસ્જિદમાં આવતાં વ્હોરા બિરદરો વહેલી સવારના છ વાગ્યાથી ગોઠવાઇ ગયાં હતા અને તેમની અંગજડતી અને મેટલ ડોરેકટર માંથી પસાર કરાયા હતાં. જોકે એસ.પી.જી.એ સૈફીનગર મસ્જિદોને પોતાના કબ્જામાં જ લઇ લીધી છે. સવારે એરપોર્ટથી સૈફીનગર સુધીના તમામ રોડ રસ્તા અને ગલીઓમાં વિવિધ કેટેગરીમાં ચાર હજાર જવાનો આ ઉપરાંત ડો. સૈયદના સાહેબની અંગત સિકયુરીટી ગાર્ડના ત્રણ હજાર લોકો વચ્ચે સુરક્ષાને જડબેસલાક બનાવાઇ છે. વડાપ્રધાન મોદી એરપોર્ટથી સીધા સૈફીનગર મસ્જિદે જઇ સૈયદના સાહેબની ધર્મવાણી સાંભળી હતી. અને  વડાપ્રધાને પણ ટુંકુ પ્રવચન આપ્યું હતું.ત્યારબાદ તેઓ દિલ્હી રવાના થયા હતા. વડાપ્રધાનની સાથે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન મુખ્યમંત્રી શિવરાજસિંહ પાટીલ અનેરાજયપાલ અને ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સાથે રહયા હતા. અત્રેએ નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વ્હોરા સમાજનાં વર્તમાન ત્રેપનમાં ધર્મગુરૂના પિતા સદ્દગત બુરહાનુદ્દીન સાહેબ સાથે પણ ભતુકાળમાં મુલાકાત લઇ આશીર્વાદ લીધા હતા.(૧.૯)

(12:17 pm IST)