સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th August 2019

દ્વારકાના ભડકેશ્વર મહાદેવ મંદિરની પ્રોટેકશન વોલ તૂટતા ભાવિકોને જોખમ

દરિયાના મોજાના કારણે પ્રોટેકશન વોલ તૂટતા નબળા કામની પોલ ખુલી

         દેવભૂમિ દ્વારકાઃ તાજેતરમાં યાત્રાધામ દ્વારકા સહિતના ક્ષેત્રોમાં કરવામાં આવેલા વિકાસકામો અને સુશોભન કામોની પોલંપોલ ખુલ્લી પડી છે.  તેવામાં દ્વારકાના સુપ્રસિદ્ધ ભડકેશ્વર મહાદેવ મંદિરની પ્રોટેકશન વોલ તુટી હોય ભાવિકો ઉપર જોખમ ઝળંુબે છે. હાલમાં શ્રાવણ માસમા તો ખુબજ ભાવિક પ્રવાહ ત્યાં હોય એ સ્વભાવીક છે, ત્યારે દરિયા વચ્ચે જ મંદિર છે ત્યારે પ્રોટેકશન વોલ બનાવાઇ હતી તે તુટી ગઇ છે. માટે ઓચિંતા દરિયાના મોટા પ્રવાહ કે મોજાની થપાટો મંદિર સુધી અથડાતી જ રહે છે અને સાથે સાથે ત્યાં મંદિરમાં રહેલા ભાવિકો ઉપર પણ જોખમ રહે છે.

         મંદિરની પ્રોટેકશન વોલ દરિયાના મોજાના લીધે તુટી જવા પામી છે, તેમ તંત્ર સ્વીકારે છે. દ્વારકાના જોવાલાયક સ્થળોમાનું આ એક હોવાથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન માટે આવે છે. પરંતુ આ પ્રોટેકશન વોલ તુટી જવાથી, યાત્રાળુઓ માટે જોખમકારક બન્યુ છે.

         દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફીસરે જણાવ્યું હતુ કે આ ભડકેશ્વર મહાદેવ મંદિરને આગવી ઓળખ ના શીર્ષક સાથે  ખૂબજ સારી રીતે ડેવલપ કરવામાં આવનાર છે. આ મંદિરનો પૌરાણિક ઇતિહાસ સાથે તેનું નવીનીકરણ આશરે ત્રણ કરોડના ખર્ચે કરવામાં આવશે જેની રજુઆત પણ કરી દેવામાં આવી છે. અને ટુંક સમયમાં આ કાર્ય હાથ ધરાશે અને નવા માર્ગ, પ્રોટેકશન વોલ સાથેનું સુંદર આયોજન કરવામાં આવશે.

         દ્વારકામાં પણ ગોમતી ઘાટના પીલર પત્તાના મહેલની જેમ તુટયા બાકીના પણ તોડી પડાયાની ચર્ચા છે. જાણકારોના મતે ફાઉન્ડેશન વગરના પીલરો હતા તેમજ આ  કામના કોન્ટ્રાકટ અંગે કોઇ કારણસર સૌના મો સિવાયેલા છે, માટે તો તપાસ થતી નથી અને કશુ જાહેર થતું નથી.

(10:55 pm IST)