કચ્છના ઢોરો ગામે મદ્રેસામાં મૌલાનાએ સગીરા સાથે ચાર વાર દુષ્કર્મ આચર્યુ
લગ્ન બાદ પતિની હિમ્મતના લીધે પોલીસમાં નોંધાવી ફરિયાદ
ભુજ તા. ૧૫ : કચ્છના નખત્રાણા તાલુકાના ઢોરો ગામે મદરેસામાં ધાર્મિક શિક્ષણ ભણાવતાં મૌલાના સમસુદીન હાજી સુલેમાન જત સામે દુષ્કર્મની ફરિયાદે ચકચાર સર્જી છે. ૧૯ વર્ષીય ફરિયાદી યુવતીએ પોતાના પતિને આ અંગે વાકેફ કર્યા બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
નખત્રાણાના ઢોરો ગામે સગીરા અને અન્ય બાળકોને ધાર્મિક શિક્ષણ શીખવવા જતા હતા. તે દરમ્યાન ફરિયાદીના જણાવ્યા અનુસાર ધાર્મિક શિક્ષણ આપતાં મૌલાનાએ વર્ષ ૨૦૧૫ માં કપડાં ધોઈ દેવાને બહાને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ડરી ગયેલી સગીરાને બીક બતાવીને મૌલાના સમસુદીને તેને છેલ્લા ચારેક વર્ષ દરમ્યાન ચારેક વખત દુષ્કર્મનો શિકાર બનાવી હતી. તાજેતરમાં જ લગ્ન કરનાર ૧૯ વર્ષીય આ યુવતીએ પોતાના પતિને સમગ્ર હકીકત કહેતાં પતિએ તેણીને હિંમત આપી પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું.
આ સંદર્ભે નરા ગામના પોલીસ સ્ટેશન મધ્યે બાજુમાં આવેલ વજીરાવાંઢ ગામના રહેવાસી એવા મૌલાના સમસુદીન હાજી સુલેમાન જત વિરૂદ્ઘ પોકસો હેઠળ ફરીયાદ નોંધી છે. હાલે ૧૯ વર્ષીય પરિણીત આ યુવતી જયારે સગીર વયની હતી ત્યારે મૌલાના સમસુદીન જતે તેણી સાથે દુષ્કર્મ આચર્યું હોઈ પોકસો ધારા હેઠળ પોલીસે ફરિયાદ નોંધી છે.(૨૧.૧૦)