સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th July 2020

ભુજમાં બે ની ચર્ચા વચ્ચે એક કેસ ચોપડે :આજે વધુ ૭ કેસ સાથે કચ્છમાં કોરોના દર્દીઓની સંખ્યા 263

ભુજના વોકળા ફળિયામાં શ્રદ્ધા કોમ્પ્લેક્સની શેરી સીલ કરાઈ પણ ૪૧ વર્ષીય કોરોનાગ્રસ્ત યુવાનનું નામ યાદીમાં નહી : માધાપરમાં મહિલા દર્દીને પુરુષ બતાવાયા અને અટક પણ બદલાઈ: સંકલનના અભાવને પગલે છબરડા

ભુજ : કોરોના વિસ્ફોટ વચ્ચે કચ્છમાં આજે વધુ ૭ કેસ નોંધાયા છે એ સાથે જ કચ્છમાં કુલ દર્દીઓનો આંકડો વધીને ૨૬૩ થયો છે. આજે રાપરના બે પુરુષ, ભુજના એક પુરુષ, માધાપરના એક મહિલા, મુન્દ્રાના  સમાઘોઘા ગામના એક મહિલા, નલિયાના એક મહિલા અને સાંધીપુરમમાં એક પુરુષ સહિત ૭ કેસો સરકારી ચોપડે નોંધાયા છે.
        કચ્છનું તંત્ર આજે પણ ભુજમાં કેસની સંખ્યાના મુદ્દે અને દર્દીના નામના મુદ્દે ચર્ચામાં છે.
        ભુજમાં તંત્રના ચોપડે શિવકૃપાનગરમાં રહેતા જીતેન વેલજી મકવાણાનો કેસ નોંધાયો છે. જ્યારે  ભુજના વોકળા ફળિયામાં શ્રદ્ધા કોમ્પ્લેક્સમાં રહેતા ૪૧ વર્ષીય યુવાનને કોરોના હોવાના ખાનગી લેબના રિપોર્ટ પછી તંત્રએ શ્રદ્ધા કોમલેક્સવાળી શેરી સીલ કરી અને અન્ય કામગીરી આરંભી પણ આ વોકળા ફળિયાનો કેસ આજના સરકારી ચોપડે ચડ્યો નથી. તો, માધાપરના દર્દીનું નામ રાધાબેનને બદલે રાધાભાઈ અને અટક મેપાણીને બદલે મકવાણા લખી નાખી છે. ખરેખર દર્દીનું સાચું નામ રાધાબેન વાલજી મેપાણી છે. ગઈકાલે પણ ગાંધીધામના વૃદ્ધ ભગવાનજીભાઈ સથવારાને પહેલી યાદીમાં કોરોના પોઝિટિવ બતાવાયા ત્યારે તેઓ મૃત્યુ પામી ચુક્યા હતા. પણ, તેમના મોતના ૬ કલાક પછી છેક રાત્રે ૧૧ વાગ્યે મોત જાહેર કરાયું. કોરોનાનો ભરડો વધ્યો છે. ત્યારે તંત્રમાં હજીયે કચ્છમાં તંત્રની અંદર સંકલનનો અભાવ જોવા મળે છે. કચ્છમાં કોરોનાની આંકડાકીય માહિતી જોઈએ તો કુલ દર્દીઓ ૨૬૩,  હોસ્પિટલમાં દાખલ ૮૦, સાજા થયેલા ૧૭૧ અને મૃત્યુ પામનારની સંખ્યા ૧૨ છે.

(9:04 pm IST)