સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th June 2019

કચ્છમાં વાયુ વાવાઝોડાની અસરઃ રાપર-મુંદ્રા અને કંડલા બંદર ઉપર તોફાની પવન ફુંકાયોઃ ધૂળની ડમરીઓ ઉડી

અમદાવાદઃ વાયુ વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ૦ાા થી ૧૧ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો અને અનેક જગ્યાએ વાવણી થઈ હતી તેમજ દરીયાના પાણી પણ નીચાણવાળા વિસ્તારોમાં ઘુસી ગયા હતા. જો કે તંત્ર દ્વારા કરવામાં આવેલ અગમચેતી કામગીરીને કારણે મોટી જાનહાની થતી અટકી હતી અને વાવાઝોડુ પણ ઓમાન તરફ ફંટાઈ ગયુ હતુ. ત્યાર બાદ આ વાવાઝોડુ કચ્છના દરીયા કાંઠે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ આગાહી વચ્ચે આજે કચ્છના રાપર, કંડલાબંદર અને મુંદ્રા સહિતના વિસ્તારોમાં ભારે પવન ફુંકાઈ રહ્યો છે. તોફાની પવનના કારણે લોકોમાં ભય પ્રસરી ગયો છે. પવનની સાથોસાથ ધૂળની ડમરીઓ ઉડતા વાવાઝોડા જેવો માહોલ છવાઈ ગયો છે.

હવામાન વિભાગના ગુજરાતના ડીરેકટર જયંત સરકારે જણાવ્યુ હતુ કે આગામી ૪૮ કલાકમાં વાયુ વાવાઝોડુ ફરી સક્રિય થઈ શકે છે અને ૧૭ જૂન સુધીમાં દરીયો તોફાની બને તેવી શકયતા છે. હાલ આ સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધતા પોરબંદર અને દ્વારકામાં આગામી સમયમાં વરસાદ અને પવન ફુંકાશે. જો કે ધીમે ધીમે આ પવનની ગતિ ઘટી જશે.

દરમિયાન મહેસુલ વિભાગના એડીશ્નલ ચીફ સેક્રેટરી પંકજકુમારે જણાવ્યુ હતુ કે વાયુ વાવાઝોડાથી હવે ડરવાની જરૂર નથી કારણ કે તે હવે વિનાશક શ્રેણીમાં રહ્યુ નથી અને તેનુ જોર પણ ઘટી ગયુ છે, પરંતુ કચ્છ તરફ આવે ત્યારે ડીપ ડીપ્રેશન અથવા તો ચક્રવાતની કેટેગરીમાં હશે જેથી દુષ્કાળગ્રસ્ત કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

વાયુ વાવાઝોડુ ગુજરાત તરફથી ઓમાન તરફ ફંટાઈ જતા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે સત્તાવાર જાહેરાત કરીને ખતરો ગયો હોવાનું જણાવ્યુ હતું અને સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લાના કલેકટરોને જનજીવન સામાન્ય થઈ જાય તે માટે કામગીરી કરવા તથા જે લોકોને દરીયાઈ વિસ્તારોમાંથી આશ્રય સ્થાનોમાં આશરો અપાયો હતો તેવા લોકોને કેશડોલ્સ ચુકવવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવશે.

(4:52 pm IST)