સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th June 2019

સુરેન્દ્રનગરમાં પ્રોફેસરનું અપહરણ

અમિતભાઇ પટેલને બાઇક પાછળ બેસાડી લઇ જઇ માર માર્યોઃ ચેઇન પડી ગયોઃ એક આરોપી ઝબ્બેઃ ફરીયાદી આરોપીના મૌનથી બનાવનું કારણ અકળ

વઢવાણ, તા.૧પઃ રતનપરમાં રહેતા અને કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા યુવાનનું બાઇક ઉભુ રાખી અપહરણ કરી બે શખ્સોએ માર માર્યાનો બનાવ બન્યો છે. જેમાં ઝપાઝપીમાં પ્રોફેસરનો બે તોલાનો સોનાનો ચેન પડી ગયો હતો. જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે. રતનપરની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા અમિતભાઇ કાંતિલાલ પટેલ સી.યુ.શાહ યુનિવર્સિટીમાં એમસીએના પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તા. ૧૩ના રોજ રાત્રે તેઓ તેમના મિત્રની દુકાને બેસીને ઘેર જતા હતા ત્યારે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના પાછળના ભાગે અંધારામાં બે શખ્સોએ તેમને ઉભા રાખી બોલાચાલી કરી હતી. જેમાં તેઓ નાસવા લાગતા બન્ને શખ્સો બાઇક પાછળ તેમને બેસાડી માનવ ધર્મ આશ્રમ પાછળ લઇ જઇ માર માર્યો હતો. જેમાં ઝપાઝપીમાં પ્રોફેસરનો બે તોલા સોનાનો ચેન પડી ગયો હતો. આ દરમિયાન પ્રોફેસરના મિત્રો આવી જતા બન્ને શખ્સો ભાગી ગયા હતા. અમિત પટેલને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

પોલીસ મથકે ઇન્દ્રપ્રસ્થમાં રહેતા ધર્મેન્દ્ર બાવાજી અને મયૂર વનરાજભાઇ ચાવડા સામે મારામારી અને અપહરણની ફરિયાદ નોંધાઇ હતી. પ્રોફેસર પૂર્વ ગૃહમંત્રી રજની પટેલના કૌટુંબિક ભાઇ થતા હોઇ જોરાવરનગર પીએસઆઇ એસ.એસ.વરૂએ  તપાસ હાથ ધરી મયૂર વનરાજભાઇ ચાવડાને પકડી લીધો હતો. જયારે બીજા આરોપી ધર્મેન્દ્ર બાવાજીને પકડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દ્યટનામાં કોઇ ખાસ કારણ બહાર આવ્યુ નથી. ફરિયાદી અને ઝડપાયેલ શખ્સ મયૂરના ભેદી મૌને પોલીસની પણ મુંઝવણ વધારી છે.

(11:38 am IST)