સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th June 2019

ગીર સોમનાથ જિલ્લાના અસરગ્રસ્તોને રોકડ સહાય

પ્રભાસ પાટણ, તા.૧પઃ સોમનાથ ટ્રસ્ટ ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે સંભવિત વાયુ વાવાઝોડાની આગાહીના પહેલા પ દિવસ અગાઉ સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ તંત્રની તૈયારી શરૂ કરાવી દીધી હતી. અને રાજયના ૧૧ સંભવિત જિલ્લાઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તેમને પુર્વ તૈયારીઓ શરૂ કરી દેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંભવિત જિલ્લાઓમાં કામગીરી અને મંત્રીશ્રીઓ પણ સંભાળી લીધી હતી.

મંત્રીશ્રી ચુડાસમાએ જણાવ્યું કે તંત્રની સજ્જતા અને સતર્કતાના કારણે એક પણ માનવ કે પશુ મૃત્ય થયેલ નથી. ૨૦ જેટલા પદાધિકારીઓ/અધિકારીઓની ટીમો બનાવીને ૧૦૦ ગામોનો પ્રવાસ કર્યો હતો. મે પણ જિલ્લાના ૧૫ થી ૨૦ સ્થળોની જાત મુલાકાત લીધી હતી. સ્થળાંતરીત લોકોને સલામત જગ્યાએ આશ્રય આપીને તેઓને બે ટાઈમના સારા ભોજન સહિતની વ્યવસ્થા કરાયેલી હતી. વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યાના નિવારણ માટે ગ્રામ્ય વિસ્તારમાં ૨૧ જેટલા ડી.વોટરીંગ પમ્પ સેટો અને શહેરી વિસ્તારમાં ૫ જેટલા ડી.વોટરીંગ પમ્પ સેટો અને અન્ય મશીનરીની વ્યવસ્થા કરાયેલ છે.

ગીર-સોમનાથ જિલ્લાના અસરગ્રસ્તોને તાત્કાલીક રાહત માટે આજ સાંજથી કેશડોલ્સ/રોકડ સહાયની ચુકવણી શરૂ કરવામાં આવશે. જયારે જે મકાનો સહિતની નુકશાની થયેલ હશે. તેના માટે તંત્ર દ્રારા સર્વે કરીને નિયમોનુસાર સરકાર દ્રારા સહાય અપાશે. માછીમારોને નુકશાન થયુ થયેલ હશે તો તેમનો સર્વે અને અહેવાલ તૈયાર કરીને મદદ કરાશે.

આ તકે સોમનાથ ટ્રસ્ટ અને ચેરમેનશ્રી કેશુભાઈ પટેલનો આભાર માનીએ છીએ. સોમનાથ ટ્રસ્ટે પણ આ કુદરતી આપતિમા સહાયભૂત થયેલ છે. સંભવિત આપતિનો ભય ટળી જતા હવે ગીર-સોમનાથ મહાદેવના દર્શન કરવા યાત્રીકો આવી શકશે. વહીવટી તંત્રે સર્તક રહીને યાત્રીકોને અહીં સાચવેલ છે. આ કુદરતી આપતિના સમયે તંત્રને પ્રજા અને મીડીયાનો હકારાત્મક સહકાર મળેલ છે.

આ પ્રસંગે પુર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર,જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર,ગુજરાત બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા,આગેવાનો,પ્રભારી સચિવશ્રી સંજયનંદન,કલેકટરશ્રી અજયપ્રકાશ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી રહેવર,સહિતના અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:26 am IST)