સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th June 2018

કોડીનારના મોરવડમાં જમીનના મુદ્દે ધીંગાણું :પ ને ઇજા :૧ર સામે ફરીયાદ

કોડીનાર, તા. ૧પ :કોડીનારના મોરવડ ગામે બન્યો છે જેમાં જમીનના કબ્જા મુદે બે જૂથોમાં સશસ્ત્ર ધિગાણું થતાં પાંચ શખ્સો ઇજાગ્રસ્ત થયા છે. જયારે આ અંગે બંને પક્ષે કોડીનાર પોલીસમાં કુલ ૧ર શખ્સો વિરૂદ્ધ સામસામી ફરીયાદ નોંધાઇ છે.

આ ઘટના અંગે ભગવાન ભાણાભાઇ રાઠોડે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ તેમની મોરવડ ગામે આવેલ જમીન તેમણે વેંચી નાખી હોય તેનો કબ્જો અપાવવા ખેતરે જતા મુળુ ભગવાન ડાભી, ગોલણ ભગવાન ડાભી, ભાવુ ભગવાન ડાભી, રામ ભગવાન , ખાટુ ભગવાન, ભીમ ભગવાન ધીરૂ ગોલણ અને જયેશ મુળુ ડાભીએ આ જમીન તેમની હોવાનું જણાવી ખેતરેની બહાર નીકળવાની ના પાડી ગાળો ભાંડી કુહાડી-ધારીયા અને લોખંડના પાઇપ જેવા હથીયારો ધારણ કરી ભગવાનભાઇ ભાણા, રણજીતભાઇ અને અમરા કુકાભાઇને હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ફરીયાદ નોંધાવી છે. જયારે સામે પક્ષે ગોલન ભગવાન ડાભીએ ફરીયાદમાં જણાવ્યા મુજબ આ જમીનનો ૪૦ વર્ષથી કબ્જો તેમની પાસે હોય અને કાગળો પણ હોય તેમ છતા ભગવાન ભાણા, અશ્વિન, વિજય ભાલયા અને રણજીત નાનુએ જમીન ખાલી કરી કબ્જો સોંપી દેવાનું કહી માર મારી હુમલો કર્યાની ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ. હેરમાએ વધુ તપાસ હાથ ધરી છે.

(1:20 pm IST)