સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

વાવાઝોડા 'તૌકતે’ પૂર્વે NDRF અને SDRF ની ટીમો કચ્છમાં તૈનાત- ૧૭ મી સુધીમાં કાંઠાળ વિસ્તારમાંથી સ્થળાંતર, આજે તમામ બોટો કિનારે

ભુજ મઘ્યે તમામ વિભાગોના અધિકારીઓની બેઠક, કલેકટરે આયોજન અંગે મેળવી જાણકારી

(વિનોદ ગાલા દ્વારા) (ભુજ) રાજ્યમાં અને ખાસ કરીને સમગ્ર કચ્છ પર તૌકતે વાવાઝોડુ આવવાની સંભાવનાની ભારતીય હવામાન વિભાગ દ્વારા પ્રસારિત કરાયેલા તાજેતરના બુલેટીનના પગલે આજરોજ કલેક્ટરશ્રી પ્રવિણા ડી. કે ના અધ્યક્ષ સ્થાને જિલ્લામાં ઉભી કરાયેલી વ્યવસ્થા સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

   તારીખ  ૧૮ થી ૨૦મી મે ૨૦૨૧ દરમિયાન રાજ્યમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વાવાઝોડું આવવાની સંભાવનાને પગલે જિલ્લાના કાંઠાળા વિસ્તારોના સાત તાલુકાના ૧૨૩ ગામ માટે અગમચેતી અને પૂર્વ તૈયારી રૂપે કરાયેલી વ્યવસ્થા અંગેનો તાગ મેળવવા આ સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લાના તમામ તાલુકાઓના પ્રાંત અધિકારીશ્રી તેમજ ચીફ ઓફિસરશ્રી પાસેથી તૌકતે વાવાઝોડા સંદર્ભે લીધેલા જરૂરી પગલાં અંગેની માહિતી કલેક્ટરશ્રીએ મેળવી હતી અને જિલ્લાના સંબધિત વિભાગોના અધિકારીઓ પાસેથી ઉભી કરેલી જરૂરી વ્યવસ્થાની વિગતો મેળવી હતી.

   આ તકે કલેક્ટરશ્રીએ તમામ તાલુકાના અધિકારીઓ પાસેથી સંભવિત અસર પામે તેવા ગામડા અને લોકોની સંખ્યા,તેમના માટે કોરોનાની ગાઈડલાઈન મુજબ ઉભા કરાયેલ આશ્રયસ્થાનો વગેરેની વિગતો મેળવી હતી.તેમજ તત્કાલ ઘટતી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. તથા તમામ આશ્રયસ્થાન પર આરોગ્યની ટીમ ફાળવવા માટે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.માઢકને સુચના આપી હતી.

   સંભવિત વાવાઝોડાની સ્થિતીને ધ્યાનમાં રાખીને કોવિડ હોસ્પિટલ્સમાં વિજ પૂરવઠો ખોરવાય તો અગાઉથી જનરેટર સેટની વ્યવસ્થા કરવા તેમજ જ્યાં જનરેટર હોય ત્યાં તે ચાલુ સ્થિતીમાં છે કે નહિં તે અંગે સુનિશ્ચિત થવા સંબધિત અધિકરિઓને તાકિદ કરી હતી. ઉપરાંત કોવિડ હોસ્પિટલ્સમાં ઓક્સિજનના અભાવની સ્થિતી ન સર્જાય તે માટે અગાઉથી ઓક્સિજનનો જથ્થો આરક્ષિત રાખવા જણાવ્યું હતું. તમામ તાલુકાઓમાં રસ્તા પર મોટા હૉર્ડિંગ્સ હટાવી લેવા જે તે તાલુકાના અધિકારીઓને તેમજ આર એન્ડ બી વિભાગને  સુચના આપી હતી. પાણી પુરવઠો ન ખોરવાય તે અંગે જરૂરી વ્યવસ્થા ઉભી કરવા પાણી પૂરવઠા વિભાગને સુચના આપી હતી. તમામ વિસ્તારોમાં માછીમારો અને અગરીયાઓ ને સ્થળાંતરિત કરવા માટે તેમજ તેમની તમામ બોટ પરત બોલાવવા માટે ફિશરિઝ ડિપાર્ટમેન્ટને સુચના આપી હતી.જે અંગે મદદનિશ ફિશરીઝ નિયામક તરફથી જણાવાયું હતું કે આજ સાંજ સુધીમાં તમામ બોટ પરત આવી જશે.

   જિલ્લામાં કંડલા તેમજ મુંદ્રા ખાતે આવેલા મુખ્ય બે પોર્ટ પર પણ સંભવિત  વાવાઝોડા સામેની પુર્વ તૈયારી અંગે પણ સમીક્ષા કરવામાં આવી. આ તકે કલેક્ટરશ્રીએ સંભવિત અસર પામનારા સ્થળો પરથી ૧૭મી મે સુધીમાં સ્થળાંતરના આદેશ આપ્યા હતા તેમજ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જિલ્લામાં NDRF ની બે તેમજ SDRFની એક ટીમની ફાળવણી કરી છે.

    બેઠકમાં સર્વશ્રી નિવાસી અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલા, ભુજ પ્રાંત અધિકારશ્રી મનીષ ગુરવાની,નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી એમ.બી.પ્રજાપતિ, જિલ્લા પુરવઠા અધિકારી ડો.રીના ચૌધરી, પાણી પુરવઠા ના મુખ્ય ઇજનેરશ્રી અશોક વનરા, જિલ્લા રજીસ્ટ્રાર વી.આર.કપુરીયા, ડિ.વાય.એસ.પી.શ્રી પંચાલ,પીજીવીસીએલના અધિક્ષક 

ઇજનેરશ્રી ગુરવા, વન વિભાગના અધિકારીશ્રી, નાયબ માહિતી નિયામકશ્રી એમ.ડી.મોડાસીયા, મત્સ્યોધોગના અધિકારીશ્રી, આર એન્ડ બી ના ઈજનેરશ્રી આર.બી.પંચાલ, , ભુજ મામલતદારશ્રી બારહટ તેમજ ડિઝાસ્ટર શાખાના ઈન્ચાર્જ ડિઝાસ્ટર મામલતદારશ્રી રાહુલ ખાંભરા, નાયબ મામલતદાર રમેશ ઠકકર તેમજ અન્ય કર્મયોગીઓ ઉપસ્થિત રહયા હતા.ઉપરાંત વિડિયો કોન્ફરન્સના માધ્યમથી નલિયા ખાતેથી અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા તેમજ તાલુકાના પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ જે તે તાલુકાના લાયઝન ઓફિસરશ્રીઓ હાજર રહ્યા હતા.

(4:53 pm IST)