જસદણની યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર ફૈબાના પુત્ર મનોજ જાદવ સહીત ૬ સામે ગુન્હો નોંધાયો
ફરીયાદ ન લેવાતા ભોગ બનનાર યુવતીએ જસદણ પોલીસ મથકમાં ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો'તો
રાજકોટ, તા., ૧પઃ દુષ્કર્મની ફરીયાદ ન લેવાતા પોલીસ મથકમાં આપઘાતનો પ્રયાસ કરનાર જસદણની યુવતીની પોલીસે ફરીયાદ લઇ ફૈબાના પુત્ર સહીત ૬ શખ્સો સામે ગુન્હો દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીએ તેના ફૈબાના પુત્ર મનોજ વિક્રમભાઇ જાદવ, વિક્રમ ભીમજીભાઇ જાદવ, અનક માધાભાઇ જાદવ, જગાભાઇ માધવભાઇ જાદવ, નીમુબેન વિક્રમભાઇ જાદવ તથા વિક્રમભાઇની પુત્રી દક્ષાબેન (રહે. તમામ તંબોડા, તા. બાબરા) સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી નં. ૧ થી ૪નાએ ફરીયાદીના ઘર પાસેથી ફરીયાદીને બાઇકમાં બેસાડી અપહરણ કરી લઇ જઇ આરોપી નં. ૧ મનોજે ફરીયાદીની મૈત્રીકરારમાં ધાક-ધમકીથી સહી કરાવી ફરીયાદીને અલગ-અલગ જગ્યાએ લઇ જઇ તેની મરજી વિરૂધ્ધ શારીરીક સંબંધ બાંધ્યા હતા. તેમજ આરોપી નં. ૧ તથા પ અને ૬નાએ ફરીયાદીને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જસદણ પોલીસે આ ફરીયાદ અન્વયે ઉકત તમામ આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ જસણદના પી.આઇ. કે.આર.રાવત ચલાવી રહયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર યુવતીની દુષ્કમની ફરીયાદ પોલીસ દ્વારા ન ેલેવાતા તેણે જસદણ પોલીસ મથકમાં ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.