સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th May 2019

'ઇન્ડાસ ટાવર' નામક કંપનીનું નામ આપી રાજયભરમાંથી 'કાર'ઉઠાવી લેતી ટોળકીઃ ધ્રાંગધ્રામાંથી બોલેરો ગઇ

વઢવાણ તા.૧૫: ધ્રાગધ્રા તાલુકાના સોલડી ગામે રહેતા મોવાડા ભરતભાઇ રણછોડભાઇ પાસે પોતાની બોલેરો કાર નંબર GJ 13 AW 3623 વાળી હતી. આ દરમિયાન પોતાના સબંધી મારફતે કેટલાક શખ્સો ભરતભાઇ મેવાડા પાસે આવી પોતે ''ઇન્ડાસ ટાવર'' નામક કંપનીમા હોવાની ઓળખાણ આપી હતી જેમાં ત્રણથી ચાર જેટલા શખ્સો દ્વારા ભરતભાઇની બોલેરો કંપનીમાં ભાડા પેટે જરૂર હોવાથી માસિક ભાડા ૨૦ હજાર પેટે માંગણી કરી હતી. આથી ભરત મેવાડા દ્વારા બોલેરો કારને ભાડાપેટે આપી ભાડાખત કરવાનુ કહેલ ત્યારે કહેવાતા કંપનીના એજન્ટો દ્વારા થોડા દિવસમા જ ભાડાખત કરી આપવાનુ કહી બોલેરો કાર ત્યાંથી લઇ ગયા હતા.

આ ઘટનાના દશેક દિવસ બાદ ભરતભાઇ મેવાડા દ્વારા ફરીથી પોતાના મોબાઇલ ફોનથી બોલેરો કાર લઇ ગયેલા કંપનીના એજન્ટને ફોન કરી ભાડાખત કરવાનુ જણાવતા એજન્ટ દ્વારા બોલેરો કારનુ ભાડાખત નહિ થાય અને તેઓ પોતાની બોલેરો કારને ભુલી જવાનુ કહેતા ભરતભાઇ મેવાડા પોતે છેતરપીંડીનો શિકાર થયા હોવાનું જણાવ્યું હતુ.ં

જ્યારે આ બાબતે ભરતભાઇ મેવાડા દ્વારા જણાવેલ કે ''ઇન્ડાસ ટાવર''નામક કંપનીનુ નામ આપી ત્રણથી ચાર શખ્સો દ્વારા રાજ્યના અનેક શહેરોમાં કેટલાય લોકોની કાર ઉઠાવી ગયા છે, હાલ પોતાની કાર તપાસ કરતા ભાવનગર ખાતે હોવાનુ જાણવા મળ્યુ છે.

(11:33 am IST)