સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th May 2019

વલ્લભીપુરમાં આગ લાગી ઘરવખરી બળીને ખાખ

મકાનની નીચે આવેલ દુકાન પણ સળગી ગઇ : ૧૦ લાખનું નુકશાન

ભાવનગર, તા. ૧પ : વલ્લભીપુરમાં રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠતા મકાનમાં રહેલ સંપૂર્ણ ઘરવખરી સળગી ગઇ હતી. તેમજ મકાનની નીચેના ભાગે આવેલ દુકાન પણ સળગી જતા ૧૦ લાખથી વધુ મતા સળગી જવા પામી હતી.

મળતી વિગતો મુજબ વલ્લભીપુરની મુખ્ય બજારમાં રહેતા અનોપસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ (ચમારડી વાળા)ના રહેણાંક મકાનમાં કોઇ કારણોસર આગ ભભૂકી ઉઠતા ઘરમાં રહેલ મહિલાઓ બહાર દોડી આવી હતી. આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહેતા આખુ મકાન આગની લપેટમાં આવી જતાં સ્થાનિક વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી.

બનાવની જાણ થતાં જ સિહોર તથા બરવાળાથી ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો અને ત્રણ કલાકની ભારે જહેમત અને ૯ ટેન્કર પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી. જોકે આગમાં આખુ ઘર સંપૂર્ણ સળગી જતા ઘરવખરી ભસ્મીભૂત થઇ ગઇ હતી તેમજ ઘરની નીચે આવેલ એક ગેરેજની દુકાનમાં પણ આગ પ્રસરતા દુકાન પણ સળગી ગઇ હતી. આ આગથી ૧૦ લાખનું નુકસાન થયાનું જાણવા મળે છે.

(11:27 am IST)