સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th May 2019

બગસરાના જૂના ઝાંઝરીયામાં જળસંરક્ષણના કામોને વેગ આપવા સંકલ્પઃ સંમેલન યોજાયું

બગસરા, તા.૧પઃ વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પ્રેરીત, ગ્રામ વિકાસ સમિતિ જુના ઝાંઝરીયા તથા વિપુલભાઇ મધુભાઇ વઘાસીયા પરિવાર જુના ઝાંઝરીયા આયોજીત, સ્વ.મધુભાઇ વસરામભાઇ વઘાસીયાની દ્વિતીય પૂણ્યતિથી નિમિતે, જળ સંરક્ષણ સંમેલનનું આયોજન કરવામાં આવેલ. વિપુલભાઇના પરીવાર દ્વારા સમગ્ર ગામને એક મંચ ઉપર લાવી વિકાસના કામો કરવાની સૌને પ્રેરણા આપી, તેમણે જળસંગ્રના કામોને પ્રોત્સાહિત કરવા માટે રૂ.૩૫,૦૦૦નું દાન પણ આપેલ  તેમજ ગામજનોએ રૂ.૪૦,૦૦૦નો લોકફાળો એકઠો કરી જળસંરક્ષણના કામને વેગ આપવાનો સંકલ્પ કર્યો. જે અનેક ગામો માટે પ્રેરણારૂપ ઘટના બની શકી.

જુનાગઢ જમીન વિકાસ નિગમમાં ફરજ બજાવતા સરકારી અધિકારી શ્રી હમીરભાઇ આહિરે પોતાના લગ્ન જીવનની ૩૪મી વર્ષગાંઠ અનોખી રીતે ઉજવવાનું નકકી કરેલ. તેમણે સાંસરીક જીવનના ૩૪ વર્ષ પૂર્ણ થતાં ૩૪*૩૬૫= રૂ.૧૨,૪૧૦નું યોગદાન વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા જે બગસરા તાલુકાનાં (( ગામોમાં જળ સંરક્ષણની કામગીરી ચાલી રહેલ છે તેને પ્રોત્સાહિત કરવા માટે તેમણે દાન આપેલ, જેને સૌ એ આવકારેલ અને જણાવેલ કે દરેક વ્યકિત આવી રીતે સામાજિક ઉતરદાયત્વ નિભાવે તો સમાજની અનેક સમસ્યાઓ ઉકેલ પામે. આ દંપતીએ નકકી કરેલ કે આપણે રોજના એક રૂપિયા લેખે દાન કરવું જોઇએ અને એ પણ જળસંગ્રહની કામગીરી માટે જ, કારણ કે આજે પાણી બચાવવું એ સૌ માટે જરૂરી બની રહેલ છે, પાણી શા માટે બચાવવુ જોઇએ? અને કેવી રીતે રોકવું જોઇએ? એ બાબતે તેમણે સરસ રીતે સૌને સમજાવેલ.

ગુજરાત ઝીરો બજેટના પ્રેરણામૂર્તિ એવા પ્રફુલ્લભાઇ સેજળીયાએ જણાવેલ કે પાણીને આપણે બચાવીશું તો પાણી આપણને બચાવશે, માટે ગામનું પાણી ગામમાં અને ખેતરનું પાણી ખેતરમાં કેવી રીતે રોકવું તે સમજાવેલ. આ પ્રસંગે ગોવિંદભાઇ ટીંબડીયા પણ સરસ માર્ગદર્શન આપેલ. આ સંમેલનમાં હડાળા, પીઠડીયા, મોટા મુુજીયાસર, નાના મુંજીયાસર, હાલરીયા, જુની હળીયાદ અને સમઢિયાળાના ગામોની પાણી સમિતિના સભ્યો હાજર રહેલ, તેમજ સમગ્ર ગામલોકોએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધેલ તેમ વલ્લભભાઇ વઘાસીયાની એક યાદીમાં જણાવેલ.

(11:24 am IST)