સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th April 2021

બે દિવસમાં જુનાગઢ જિલ્લામાં કોરોનાનાં ત્રણ દર્દીનું મોતઃ સંક્રમિત થયા ર૧૯

૪૮ કલાકમાં માત્ર ૮૦ દર્દી ડિસ્ચાર્જઃ જુનાગઢમાં અંતિમ સંસ્કાર માટે કતારો લાગી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧પ : જુનાગઢ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થ રહ્યો છે. બે દિવસમાં ત્રણ વ્યકિતને કોરોના ભરખી જતા ગમગીની વ્યાપી ગઇ છે.

૪૮ કલાકમાં ર૧૯ લોકો સંક્રમિત થયા હોવાનું નોંધાયું છે.

બીજી તરફ જુનાગઢમાં અંતિમ સંસ્કાર માટે પણ કતારો લાગવી શરૂ થઇ રહ્યું છે.

જુનાગઢ શહેર અને જિલ્લામાં અથાગ પ્રયાસો છતા સંકમિતમાં ચિંતા જનક વધારો થયો છે. તા.૧૩ એપ્રિલે જિલ્લામાં ૧૧૩ નવા પોઝીટીવ કેસ નોંધાયા છતા જેની સામે માત્ર ૪૧ દર્દી સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવેલ.

આ સાથે માણાવદર વિસ્તારના એક કોવિડ દર્દીએ અંતિમ શ્વાસ લેતા લોકોમાં ફફડાટ વધી ગયો હતો.

તા.૧૪ એપ્રિલ ગઇકાલના રોજ જુનાગઢ જિલ્લામાં ૧૦૬ કેસની એન્ટ્રી થઇ હતી અને ૩૯ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી આ સાથે જુનાગઢ સીટી અને વિસાવદરના એક -એક કોરાના દર્દીનું મૃત્યુ પણ થયું હતું.

આમ જિલ્લામાં કોવિડને લઇ માત્ર બે જ દિવસમાં ત્રણના મૃત્યુ થયા હતા અનેર૧૯ વ્યકિતમાં કોરોનાએ પગ પેસારો કર્યોહતો.

જુનાગઢ શહેરમાં આ બે દિવસ દરમ્યાન ૧૧૯ કોરોના દર્દીનો વધારો થયો હતો. અને એક કોરોના પોઝીટીવ વ્યકિતએ અનંતની વાટ પકડી હતી.

જુનાગઢ શહેર - જિલ્લામાં કોરોનાના કહેરને લઇ જુનાગઢના સોનાપુરી સ્મશાનમાં મૃતદેહોની અંતિમ વિધિ માટે કતારો શરૂ થઇ ગઇ છે. સ્મશાનમાં એક સાથે ૧પ મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવી પડતા સવાર સુધીનું વેઇટીંગ થઇ ગયું હતું.

જુનાગઢના સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે ર૪ કલાક ભઠ્ઠી ચાલુ હોવા છતા મૃતદેહોનો ભરાવો થવાની સાથે વેઇટીંગમાં પણ વધારો થયો હતો.

લાંબુ વેઇટીંગ થવાને કારણે જામજોધપુર, ધોરાજી, જામકંડોરણા અને ઉપલેટાના મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે કેશોદ સ્થિત સ્મશાનમાં ખસેડવાની ફરજ પડી હોવાનું જાણવા મળેલ છે.

બીજી તરફ કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટ સ્વૈચ્છિક લોકડાઉનનો સિલસિલો શરૂ થયો છે. મેંદરડામાં ૩૦ એપ્રિલ સુધી સ્વયંભુ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

જુનાગઢ યાર્ડની માસ્ક ભેસાણ યાર્ડમાં પણ શનિવાર સુધી જણસની ખરીદી બંધ કરવામાં આવી છે.

(12:54 pm IST)