સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th April 2021

જામકંડોરણા- ભાયાવદર- કોડીનાર- મોટી પાનેલીમાં લોકડાઉન

કોરોના મહામારી અટકાવવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની અનેક વિસ્તારોમાં સ્વૈચ્છીક બંધનો અમલ

કોડીનારમાં લોકડાઉન મુદ્દે મિટીંગ મળી હતી.

રાજકોટ,તા. ૧૫: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના સંક્રમણ અટકાવવામાં માટે સ્વૈચ્છીક લોકડાઉનનો અમલ શરૂ કરાયો છે.

જેમાં જીલ્લા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છીક લોકડાઉન સાથે લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી રહી છે.

જામકંડોરણા

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા : શહેરમાં અગાઉ વેપારીઓ દ્વારા ગત તા. ૧૦ થી  રાત્રીના ૮:૦૦ વાગ્યાથી સવારના ૬: ૦૦ વાગ્યા સુધીન સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય કરતા આજ સુધી વેપારીઓએ આ સમય દરમ્યાન સ્વૈચ્છીક લોકડાઉન કરેલ હતુ પરંતુ વધી રહેલા કોરોના સંક્રમણને કારણ આજે તા. ૧૫થી જામકંડોરણા શહેરમાં બપોરના ૨:૦૦ વાગ્યાથી સવારના ૬:૦૦૦ વાગ્યા સુધી સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય વેપારી મંડળ દ્વારા કરવામાં આવેલ છે.

ભાયાવદર

(રમેશ સાંગાણી-ભરત દોશી દ્વારા) ભાયાવદર-ઉપલેટા : પાલિકાના ગ્રાઉન્ડમાં શહેરના જુદા જુદા વેપારી એસોસિએશનના આગેવાનોની મિટીંગ મળી જેમાં ભાયાવદરમા કોરોનાના રોજ બરોજ વધતા કોરોના પોઝિટિવ કેસને કાબૂમાં લેવા શહેરના  દરેક વેપારીઓએ પોતાના ધંધા ત્રણ દિવસ સંપૂર્ણ બંધ રાખવા તેમજ ૧૯ તારીખ થી ૧ લી તારીખ સુધી સવારના ૭ થી બપોરના ૨ વાગ્યા સુધી તમામ ધંધા-રોજગાર સંપૂર્ણપણે બંધ રાખવાનો સામૂહિક નિર્ણય લેવામા આવ્યો છે. તેમજ જો આ નિર્ણયનો કોઈ વેપારી કે લારી ગલ્લાવાળા નિયમનુ પાલન ન કરે તો તેમની પાસેથી ૧૦૦૦/૦૦ જેવો દંડ વસૂલ કરવો અને જે દંડની રકમ જમા થાય તે રકમ શહેરના આરોગ્ય લક્ષી કાર્ય વાપરવી એવુ સર્વાનુમતે નક્કી કરી નગરપાલિકાને જવાબદારી સોપેલ છે.

ઉપર મુજબના નિયમો શહેરના વેપારીઓ તેમજ નગરપાલીકાના પ્રમુખ સદસ્યશ્રીઓની હાજરીમાં શહેરમાં વધતા કોરોના વાયરસને નિયંત્રણ લેવા માટે હાલના સમયને જોતા જરૂર હોય શહેરના લોકોના જનઆરોગ્ય માટે અત્યંત જરૂરી હોય જેથી આજની મીટીંગમાં વેપારીઓ બહોળી સંખ્યામાં હાજર રહી શહેરના હિત માટે સર્વાનુમતે સ્વયંભુ લોકડાઉન તેમજ ત્રણ દિવસ જનતા કર્ફયુ જેવા માહોલ કરવો પડે જથેી સંક્રમણને કાબુમં લઇ શકીએ.

કોડીનાર

(અશોક પાઠક દ્વારા) કોડીનાર : કોડીનાર તાલુકામાં સતત વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે શુક્રવાર થી ત્રણ દિવસનો સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.કોડીનારમાં કોરોનાની વિસ્ફોટક પરિસ્થિતિને ધ્યાને લઇ ચેમ્બર્સ ઓફ કોમર્સ-વહીવટી તંત્ર અને તાલુકાના અગ્રણી આગેવાનો દ્વારા માર્કેટિંગ યાર્ડમાં બેઠક યોજી તાલુકાને કોરોના સંક્રમણ થી બચાવવા વિચાર વિમર્શ કરાયો હતો,જેમાં તા.૧૬-૧૭-૧૮ શુક્ર-શનિ-રવિવારે કોડીનાર માં સ્વયંભુ સ્વૈચ્છિક લોકડાઉન પાળવા સૂચન કરવામાં આવતા તમામ વેપારીઓ અને આગેવાનોએ એકીસુરે આ સૂચન ને આવકારી તમામ લોકોએ ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરાયો હતો,શુક્ર-શનિ-રવિના ત્રણ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનમાં માત્ર મેડીકલ ઇમરજન્સી અને દૂધ ની ડેરીઓ સિવાય ના તમામ વેપાર ધંધા,માર્કેટિંગ યાર્ડ,શાક માર્કેટ,ફિશ માર્કેટ વગેરે તમામ વ્યવસાયો બંધ રહેશે.સ્વૈચ્છિક લોકડાઉન માટે મળેલી બેઠકમાં મામલતદાર સંજયસિંહ અસ્વાર,પી.આઈ.એસ.એન.ચુડાસમા,ચેમ્બર્સ પ્રમુખ હરી ભાઈ વિઠલાણી,પાલિકા પ્રમુખ સુભાસભાઈ ડોડીયા, સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ ભીખુમિયા બાપુ કાદરી,હાજી રફીક જુણેજા, વગેરે હિન્દી મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનો-વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મોટી પાનેલી

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી : વધી રહેલા કોરોના દર્દી અને સંક્રમણ ને ધ્યાનમાં રાખી કોરોનાની ચેઇન તોડવા માટે ત્રણદિવસ પહેલા મળેલી ગ્રામજનો અને આગેવાનો સાથેની મિટિંગમાં લેવાયેલ નિર્ણય મુતાબિત આજરોજ મોટી પાનેલી ગ્રામપંચાયત ખાતે સરપંચશ્રી મનુભાઈ ઉપ સરપંચશ્રી બધાભાઇ ભારાઈની અધ્યક્ષતામાં મળેલ ગામ આગેવાનો અશોકભાઈ પાંચાણી જતીનભાઈ ભાલોડીયા મહેન્દ્રભાઈ વિનુભાઈ દ્યોડાસરા ચંદુભાઈ જાદવ દિનેશભાઇ વેકરીયા નવાજભાઈ સાથે વેપારી મંડળના અમિતભાઇ વાછાણી હરેશભાઇ તન્ના સહિતના સાથેની મિટિંગમાં ગામ હિતમાં મહામારીને રોકવાના પ્રયાસરૂપે ગામને ત્રણ દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન કરવું જે આગામી તારીખ ૧૬/૦૪ શુક્રવાર થી તારીખ ૧૮/૦૪ રવિવાર એમ ત્રણ દિવસ સંપૂર્ણ બંધ રાખવું ત્યારબાદ તારીખ ૧૯/૦૪ને સોમવારથી તારીખ ૩૦/૦૪ શુક્રવાર સુધી સવારે છ થી બપોરે બે વાગ્યાં સુધી ધંધા રોજગાર ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

આ દિવસો દરમિયાન માત્ર દવાખાના મેડિકલ અનાજ દળવાની ઘંટી શાકભાજીની લારી દૂધની ડેરી ખુલ્લા રહેશે.

કોરોના મહામારી વચ્ચે ગામહિતમાં લેવાયેલ આ નિર્ણયમાં તમામ ગ્રામજનો સાથે નાના મોટા તમામ વેપારી તેમજ લારી ગલ્લાવાળા સાબિત ગામ નજીક હાઇવે રોડ પરની હોટેલ ગલ્લા પણ સ્વેઇચ્છીક જવાબદારી નિભાવી સંપૂર્ણ બંધમાં સહયોગ આપી પાનેલી ગામને કોરોના મહામારીથી બચાવવાં સહુ સહકાર આપી એકજુટ થવા ગ્રામપંચાયત તેમજ વેપારી એસોસિએશન દ્વારા વિંનતી કરવામાં આવેલ છે.

(11:03 am IST)