સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th April 2021

હવે અલંગથી રાજ્યભરમાં ઓકસીજન પૂરો કરવા દોડધામ

હાલ અલંગશીપ બ્રેક યાર્ડને સિલિન્ડરો ન દેવા આદેશો : ભાવનગર જિલ્લામાં ૫૦થી વધુ ઓકસીજન પ્લાન્ટ આવેલા છે : સરકાર કાર્યવાહી કરે : તળાજા તાલુકા મામલતદારને જવાબદારી સોંપાઇ : ગઇકાલે અમદાવાદ - વડોદરા - રાજકોટ સહિતના જિલ્લામાં અલંગથી સિલીન્ડર મોકલાયા

રાજકોટ તા. ૧૫ : ગુજરાતભરમાં કોરોનાની સ્થિતિ બેકાબુ છે, કેસો સતત વધી રહ્યા છે, નવી નવી હોસ્પિટલો ખોલાઇ રહી છે, આ બધા વચ્ચે કોવિડ હોસ્પિટલમાં ઓકસીજન સિલીન્ડરની અછત ઉભી થતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અનેક લોકો વલખા મારી રહ્યા છે.

પહેલા રોજના ૨૫૦ ટન ઓકસીજનની જરૂરીયાત હતી તેની સામે હાલ ૬૦૦ ટનની જરૂરીયાત ઉભી થઇ છે.

આ ઓકસીજનની અછત અલંગ અને ભાવનગર જિલ્લાના કેટલાય ઓકસીજન પ્લાન્ટ પૂરા કરી શકે છે.

સૂત્રોના ઉમેર્યા પ્રમાણે ભાવનગર જિલ્લાના ઓકસીજન પ્લાન્ટોની એટલી ક્ષમતા છે કે, રાજ્યભરની હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓ માટે ઓકસીજન સિલીન્ડર પૂરા પાડી શકે છે અને તે જોતા ભાવનગર મહેસૂલ તંત્રે આ દિશામાં દોટ મૂકી છે, તળાજા તાલુકાના મામલતદાર દક્ષેશ મકવાણાને આની જવાબદારી સોંપાઇ છે, શ્રી મકવાણાએ ઉમેર્યું હતું કે, અલંગ શિપયાર્ડમાં જહાજોના કટીંગ માટે ૪૫ હજાર ઓકસીજન સિલીન્ડરની જરૂરીયાત પડે છે,

હવે વર્તમાન સ્થિતિ જોતા આ સિલીન્ડરો અલંગ શિપયાર્ડમાં નહી મોકલાય પરંતુ રાજ્યોની જુદી જુદી કોવિડ હોસ્પિટલોમાં મોકલવામાં આવશે, ભાવનગર જિલ્લામાં લગભગ ૫૦ ઓકસીજન પ્લાન્ટ છે, આમા અલંગશીપ બ્રેકર મુકેશ પટેલનો શ્રી રામ ઓકસીજન પ્લાન્ટ અડધા ગુજરાતને ઓકસીજન પૂરો પાડે છે, દર્દીઓની સ્થિતિ જોતા ગઇકાલે અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિત જુદા જુદા જિલ્લાઓના ઓકસીજન સિલીન્ડર મોકલવામાં આવ્યા હતા.

અન્ય વિશ્વસનીય સૂત્રોના ઉમેર્યા પ્રમાણે સરકાર પાસે પૂરતો પ્રબંધ ન હોવાને કારણે ઓકસીજન સિલીન્ડરની અછત ઉભી થઇ છે, જો આમ જ ચાલતું રહ્યું તો આગામી દિવસોમાં ઓકસીજન સિલીન્ડરની માંગ વધી શકે છે, જો રાજ્ય સરકાર તાકિદે પ્રબંધ કરે તો ભાવનગર જિલ્લામાં એટલા ઓકસીજન પ્લાન્ટ છે કે આખા ગુજરાતની જરૂરીયાત પૂરી કરી શકે છે.

(11:01 am IST)