સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th April 2019

ચોરોના બેંક એકાઉન્ટમાંથી લોકોના ખાતામાં જમા કરાવીશું: કોંગ્રેસની ન્યાયી યોજના અન્યાય સામે લડત આપશેઃ રાહુલ ગાંધી

અમરેલી, ભાવનગર, જુનાગઢ લોકસભા બેઠક માટે કોંગ્રેસના અધ્યક્ષનું ચુંટણી પ્રચારનું રણશીંગુ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમરેલી જીલ્લાની મુલાકાતે આવ્યા છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓ અર્જુનભાઇ મોઢવાડીયા, પરેશભાઇ ધાનાણી, શકિતસિંહ ગોહીલ અને હાર્દિક પટેલ સાથે સ્ટેજ ઉપર ચર્ચા કરી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૫: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે રાજુલા નજીકના આશરાણા ચોકડી ખાતે જાહેરસભા સંબોધી હતી અને અમરેલી ભાવનગર અને જુનાગઢ લોકસભા બેઠક માટે પ્રચારનું રણશીંગુ ફુંકયું હતું.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વિજય માલ્યા, નિરવ મોદી જેવા ચોરોના બેંક એકાઉન્ટમાંથી અમારી સરકાર લોકોના બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવશે અને કોંગ્રેસની ન્યાયી યોજના અન્યાય સામે લડત આપશે.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે પાંચ વર્ષ પહેલા નરેન્દ્રભાઇ મોદીજીએ યુવાનોને રોજગારી, લોકોના બેંક એકાઉન્ટમાં ૧પ-૧પ લાખ અને ખેડુતોને પુરતા ભાવ આપવા માટેનું વચન આપ્યું હતું. પરંતુ આ વચનનો અમલ થયો નથી અને લોકોને અન્યાય થઇ રહયો છે.

નોટબંધી અને ગબ્બરસિંહ ટેક્ષના કારણે બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે કોંગ્રેસની સરકાર લોકોના બેંક એકાઉન્ટમાં પૈસા આપશે અને આ ન્યાય યોજના હિન્દુસ્તાનની અર્થ વ્યવસ્થાને મજબુત બનાવશે.

રાહુલ ગાંધીએ પ્રારંભીક જાહેરસભામાં મોડા પહોંચવા બદલ લોકોની માફી માંગી હતી.

આ તકે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવજી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા, અર્જુનભાઇ મોઢવાડીયા, શકિતસિંહ ગોહીલ, હાર્દિક પટેલ, સિધ્ધાર્થ પટેલ, અમરીશ ડેર, પરેશભાઇ ધાનાણી, કનુભાઇ કળસરીયા, વિરજીભાઇ ઠુંમર, પ્રતાપભાઇ દુધાત સહીતના ઉપસ્થિત રહયા હતા.

(5:43 pm IST)