સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th March 2019

ચોટીલાના પાંચ ગામ રાજકોટને હવાલે થતા રાજકિય ઉથલ-પાથલઃ સતા પરિવર્તનના એંધાણ

ચોટીલા તા. ૧પ : તાલુકાના પાંચ ગામોનો વહીવટ રાજકોટ જીલ્લાના હવાલે થતા તાલુકામાં સત્તા પરિવર્તન રાજકિય ઉથલ-પાથલના એંધાણ વર્તાઇ રહ્યા છે.

ચોટીલાના પાચ ગામો બામણબોર, ગુંદાળા, નવાગામ (બા), જીવાપર (બા), અને ગારીડા રાજકોટ જીલ્લામાં તબદીલ કરાયેલ છે જેઓના તાલુકા અને ગ્રામ પંચાયત કક્ષાના તમામ રેકોર્ડની રાજકોટ જીલ્લાને સોપવાની પ્રક્રિયા માટે ઉચ્ચ કક્ષાઅથી જરૂરી આદેશો થયેલ છે તેમજ તાલુકા પંચાયતની એક સદસ્યની સીટ પણ રાજકોટ જીલ્લામાં ફેરબદલ કરવામાં આવતા ચોટીલા તાલુકાના રાજકારણમાં ખુબ મહત્વની અસર પહોંચશે.

થોડા દિવસ પહેલા રાજકોટમાં સમાવાયેલ તાલુકાના પાંચ ગામનાં જરૂરી દસ્તાવેજી કાગળો, રેકર્ડ સાથે તમામ રેકર્ડની સોપણી રાજકોટ જીલ્લાને કરવાના હુકમો છુટેલા આગામી દિવસોમાં આ પાંચ ગામની પંચાયતોનો તમામ વહીવટ અને તાલુકા કક્ષાનો તમામ હવાલો હવે રાજકોટને સોપાઇ જશે તેમજ કામ કરતા અનેક વિભાગોમાં પણ વહિવટીના કર્મચારીઓમાં પણ મોટા ફેરફારો આવશે.

વહીવટી ફેરફારની સાથે તાલુકાના રાજકારણમાં ખુબ મોટુ પરિવર્તન આવે તેવી શકયતા છે. આ વિસ્તારની બેઠક ઉપર ચુંટાયેલ અને ચોટીલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ એવા રેખાબેન મકવાણાની બામણબોરની તાલુકા પંચાયતની બેઠક રાજકોટ જીલ્લાનાં તાલુકામાં સમાવેશ કરાઇ છે. જેનો ગેઝેટનો હુકમ પણ આપી દેવાયેલ છે જેથી હવે ચોટીલા તાલુકા પંચાયતની કુલ બેઠકમાંથી એક ઘટીને ૧૭ કરાઇ છે અને રાજકોટ તાલુકાની વધીને રપ થયેલ છે.

હાલમાંજ નવ સભ્યોની સહીથી પ્રમુખ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ કરાયેલ છે હાલમાં તાલુકાના એક સભ્ય રાજકોટ તાલુકામાં જવાના આદેશથી છેલ્લી સ્થિતિએ હાલની બોડી લઘુમતીમાં મુકાઇ ગયેલ હોય તેવું દેખાય છે અને એક અંદાજ દરખાસ્ત મુકનાર ગ્રુપ પાસે નવનું સંખ્યા બળ છે જેની વર્તમાન પ્રમુખ પાસે ચાર સદસ્યની સંખ્યા રહેલ છે જેથી કુલ ૧૪ સભ્યોના બળ સામે દરખાસ્ત મુકનાર જુથ આવતા દિવસોમાં બહુમતી પુરવાર કરવાની તારીખે દરખાસ્ત પાસ કરી શકે તેવી સંપૂર્ણ શકયતા દેખાઇ રહેલ છે. જેથી સરકાર દ્વારા કરાયેલો આ ફેરફાર સ્થાનિક રાજકારણમાં સત્તા પરિવર્તન માટે હોવાની લોક ચર્ચા ઉઠેલ છે આવનાર દિવસોમાં કરવાની નિયમ મુજબની તારીખે ચોટીલા તાલુકા પંચાયતમાં સત્તાના સુકાન બદલાય છે કે કેમ તે તરફ સૌની મીટ મંડાયેલ છે.

(3:57 pm IST)