સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th March 2019

સૌરાષ્ટ્રની વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમેદવાર નક્કી કરવા માટે નિરીક્ષકો તૂર્તમાં આવશે

પ્રદેશ પ્રમુખ ચાવડા-વિપક્ષી નેતા ધાનાણી દિલ્હીથી ગુજરાત પર : સ્થાનિક આગેવાનો સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ લેવાશે નિર્ણય

રાજકોટ, તા. ૧પ : લોકસભા માટેના ઉમેદવારો નક્કી કરવા માપદંડો સમજવા સહિતની બખ્તોને લઇને દિલ્હી ગયેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તથા વિપક્ષી નેતા પરેશ ધાનાણી પરત ફર્યા છે. સ્ક્રીનીંગ કમીટીમાં હવે ૧૭ અને ૧૮ દરમ્યાન દિલ્હી ખાતે ફરી ચર્ચા થશે. દરમ્યાન પ્રદેશ ચૂંટણી કમ્પેઇન કમીટી સહિતની કમીટીઓ આવતીકાલે પોત પોતાની પ્રક્રિયાઓ પૂર્ણ કરવા મળશે. સૌરાષ્ટ્રની હળવદ, ધ્રાંગધ્રા, તલાલા, માણાવદર બેઠકમાં ઉમેદવારો નક્કી કરવા નિરીક્ષકો નિમાયા છે જે તૂર્તમાં સ્થાનિક કક્ષાએ આગેવાનો સાથે ચર્ચા કરવા આવશે.

પ્રદેશ કોંગ્રેસ સુત્રોમાંથી મળતા અહેવાલો મુજબ રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ તથા ચૂંટણી કમીટી દ્વારા ઉમેદવારોની પસંદગી અંગેના માપદંડો અંગેના સુચનો પ્રદેશ કોંગ્રેસને મળી ગયા છે. સ્ક્રીનીંગ કમીટીમાં એક નામ નક્કી કરવા ફરી ૧૭ અને ૧૮ના કવાયત આદરાશે તેમ મનાય છે.

દિલ્હી ખાતે સ્ક્રીનીંગ કમીટીના વેણુગોપાલની હાજરી ન હોય દિલ્હીમાં વધુ ચર્ચા નહીં થયાનું મનાય છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ સૌરાષ્ટ્ર સહિતની પેટાચૂંટણીઓ અંગે નિરીક્ષકો નક્કી કરી લીધા છે અને સ્થાનિક કક્ષાએ સેન્સ લેવા તૂર્તમાં કાર્યક્રમ ઘડી કઢાશે.(૮.૧૯)

(3:36 pm IST)