સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th March 2019

સુરેન્દ્રનગરમાં પાણી પ્રશ્ને દેકારો

 વઢવાણ : ઝાલાવાડમાં ઉનાળાનો પ્રારંભે પીવાના પાણીની રામાયણ શરૂ થઇ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં તળાવો, કુવાઓમાં પાણી ખુટતા લોકોને પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. ગામડાઓને બદલે પ્રથમ સુરેન્દ્રનગર શહેરમાં જ પીવાના પાણીની રામાયણ શરૂ થઇ છે. સુરેન્દ્રનગરના વહાણવટીનગરમાં પીવાના પાણીની મુશ્કેલી ઉભી થઇ છે. વારંવાર રજૂઆત કરવા છતા પાલિકાએ પાણી આપ્યુ ન હતુ. આથી સુરેન્દ્રનગર પાલિકાને પાણી બતાવવા માટે આ વિસ્તારની મહિલાઓ સહિતના લોકો કચેરીએ ઘસી ગયા હતા. જેમા ઉનાળાના પ્રારંભે લોકોને બે કીમી દૂર પાણી ભરવા જવુ પડતુ હોઇ કુવા કાંઠે તરસ્યાનો ઘાટ સર્જાતા પાણી આપવાની માંગ કરી છે. આ અંગે હર્ષદભાઇ વ્યાસ સહિતના આગેવાનોએ જણાવ્યુ કે દુધરેજ કેનાલ પાસે વહાણવટીનગરમાં વીચરતી વિમુકિત જાતીના લોકો રહે છે. આ વિસ્તારમાં પાલિકા દ્વારા નળ કનેકશન અપાયા છે. છેલ્લા બે મહિનાથી પાણી અપાયા નથી. મહિલાઓ અને નાની દિકરીઓને નિશાળે મોકલવાને બદલે પાણી ભરવા મોકલવી પડે છે. આ ઉપરાંત અશુધ્ધ પાણી પીવાથી રોગચાળો ફેલાવવાનો ભય ઉભો થયો છે. સુરેન્દ્રનગર પાલિકા દ્વારા પીવાનુ પાણી અપાય તેવી માંગણી ઉઠી છે.

(12:09 pm IST)