સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th March 2019

ઉનામાં કાનના પડદા ફાડી નાખે તેવા કર્કશ અવાજ વાળા હોર્ન વગાડી પુરપાટ ચલાવતા બાઇક ચાલકનો વધતો ત્રાસ

ધુમસ્ટાઇલથી બાઇક ચલાવનારાને ઠપકો આપતા દાદાગીરી : કડક કાર્યવાહી કરવા લોક માંગણી

ઉના, તા. ૧૪ : ધુમસ્ટાઇલ મોટર સાયકલ ચાલકોનો ત્રાસ કાનના પડદા ફાડી નાખે તેવા હોર્ન ત્થા સાયલેન્સર મોટા અવાજથી રાહદારીઓને પરેશાન કરતા આવા શખ્સોને સ્થાનિક પોલીસ, જીલ્લા પોલીસ વડા પગલા ભરી શાન ઠેકાણે લાવશે ખરા ? તેવો સવાલ લોકો કરી રહેલ છે. નંબર પ્લેટ વગરની તથા લાઇસન્સ વગરના વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરે તેવી લોક માંગણી .

 

છેલ્લા બે માસથી ધુમસ્ટાઇલથી પૂર ઝડપે મોટર સાયકલો ચલાવી તથા કાનના પડદા ફાડી નાખે તેવા હોર્નના અવાજ તથા સાયલેન્સરમાં મોટા અવાજ ફીટ કરી શહેરની મુખ્ય બજાર તથા મેઇન રોડ વિસ્તારમાં રેસ લગાડી ચાલીને જતા રાહદારીઓને હેરાન પરેશાન કરે છે અને જો કોઇ ઠપકો આપે તો તેની સામે દાદાગીરી કરવામાં આવે છે આવા માથાભારે દાદાઓની શાન ઠેકાણે ઉનાના નવા પોલીસ ઇન્સ્પેકટર લાવે અને જીલ્લા પોલીસ વડા કાર્યવાહી કરાવે તેવી લોક માંગણી ઉઠી છે.

શહેરમાં ત્થા તાલુકામાં મોટાભાગની નંબર પ્લેટ વગરની તથા બહારના રાજય, જીલ્લાના પાર્સીંગ વાળી મોટર સાયકલના કાગળીયા હોતા નથી. તથા ડ્રાઇવીંગ લાઇસન્સ વગર વાહન ચલાવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરે અને ધુમસ્ટાઇલથી બેફામ પૂર ઝડપે ચલાવતા મોટર સાયકલ ચાલકો સામે પગલા ભરી ઉનાની શાંતિ પ્રિય સમજુ જનતાને સલામતી અપાવે તેવી લોક માંગણી ઉઠી છે.

(12:04 pm IST)