સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th March 2019

ઉપલેટાનાં લાઠ ગામમાં પુત્રીને જન્મ આપનાર માતાને ૧૧૧૧ની ભેટ અપાશે

ઉપલેટા તા.૧૫: ક્ષત્રિય મહિલા સરપંચ દ્વારા ઉપલેટા તાલુકામાં સૌપ્રથમ લાઠ ગામમા અનોખી પહેલ કરેલ છે. સરપંચ રસ્મિતાબા પૃથ્વીરાજસિંહ ચુડાસમાનો જન્મ તા. ૧૫-૩-૧૯૯૦ના જામનગર જિલ્લાના મોરાર સાહેબ ખંભાળિયા ગામે થયેલ તેઓ જીવનના ૨૯ વર્ષ પૂર્ણ કરી ૩૦માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેમજ તેમના પતિ પૃથ્વીરાજસિંહ ચુડાસમા ઉપલેટા તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. લાઠ ગામમાં તા. ૧૫-૩-૨૦૧૯ પછી ૨૫૦૦ લોકોની વસ્તી ધરાવતા ગામમાં કોઇપણ જ્ઞાતિમાં પુત્રીનો જન્મ થશે તો વધામણા સ્વરૂપે રૂપિયા ૧૧૧૧ અર્પણ કરાશે.

ત્યારે સરપંચની જાહેરાતને ગ્રામજનોએ  'જન્મદિવસ'ની ભેટ સમજી વધાવી લીધી છે.

આજે હજીપણ ઘણા બધા ગામડાઓમાં દીકરી જન્મે છે ત્યારે નાકનું ટેરવું ચડાવનારાઓની સંખ્યા આજે પણ ખુબ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે આવી પહેલથી લોકોમાં જાગૃતિ આવશે જયારે આ અંગે આજરોજ સ્થાનિક પત્રકારોને લાઠના સરપંચ રસ્મિતાબા ચુડાસમાને આ અંગે પુછતા તેમણે જણાવ્યું હતું કે દીકરીના જન્મને વધાવવા માટે મને અને મારા પરિવારને વિચાર આવ્યો હતો. જેમાં મારા પતિ પૃથ્વીરાજસિંહ ચુડાસમાએ સહર્ષ વાતને વધાવી જાહેરાત કરી હતી. વધુમાં જણાવેલ કે દીકરીનો જન્મ થયો હોય તેમણે દીકરીના જન્મ અંગે ગ્રામ પંચાયતમાં જાણ કરવાની રહેશે અને આ પુરસ્કાર ભેટ રૂપિયા ૧૧૧૧ તેમના કાર્યકાળ સુધી આપવામાં આવશે. તેમના જન્મદિવસ પર તેમને ચોમેરથી મો.નં. ૯૭૨૪૧ ૨૨૧૨૨ પર શુભેચ્છાઓ મળી રહી છે.

(12:01 pm IST)