સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th March 2019

પોરબંદર જિલ્લામાં પબજી - મોમો ચેલેન્જ ગેમ રમવા ઉપર પ્રતિબંધ

કોઇ બાળક કે યુવાનો પબજી રમતા ધ્યાને આવે તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જાહેરનામુ

પોરબંદરતા.૧૫ :  પબજી-મોમો ચેલેન્જ ગેમના કારણે બાળકો અને યુવાનોમા હિંસક વૃતિનું પ્રમાણ વધતુ જોવા મળે છે. આ ગેમના કારણે બાળકો અને યુવાનોના અભ્યાસ ઉપર અસર થાય છે, તેમજ આ ગેમની અસર બાળકો અને યુવાનોના વ્યવહાર, વર્તન, વાણી અને વિકાસ ઉપર અસર પડે છે.  જેથી સરકારશ્રીના ગૃહ વિભાગ દ્વારા આ અંગે પ્રતિબંધાત્મક જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ,શ્રી પોરબંદરને મળેલ સત્તાની રૂઈએ સમગ્ર પોરબંદર જિલ્લાના વિસ્તારમા જાહેર સલામતિ અને સુરક્ષાને લક્ષમાં રાખીને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર પબજી-મોમો ચેલેન્જ ગેમ રમવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. પોરબંદર જિલ્લાના વિસ્તારમા કોઈપણ વ્યકિત કે બાળકો પબજી ગેમ રમવાની ગતિવિધિમા હોય તો નજીકના પોલીસ સ્ટેશનમા ઓછામા ઓછા સમયમા મૌખિક કે લેખિત જાણ કરવા લોકોને જણાવાયું છે.   ગુન્હાના તપાસની કામગીરી અને શૈક્ષણિક સંસોધનના કામે કરવામા આવતી કાર્યવાહી ઉપર આ જાહેરનામુ લાગુ પડશે નહિ. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ મુજબ સજા/દંડને પાત્ર રહેશે. આ જાહેરનામુ તાત્કાલીક અસરથી અમલમાં મુકવામાં આવેલ છે.

(11:55 am IST)