સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th February 2020

મોરબી જીલ્લાના બાકી રહેલા ખેડૂતોને પીએમ કિસાન ક્રેડિટ કાર્ડ કાઢી અપાશે

મોરબી,તા.૧૫: પી.એમ કિસાન ક્રેડિટ કાર્ડ હવે પરિવાર દીઠ કાઢી આપવાના સરકારના નિર્ણય બાદ વહીવટી તંત્રએ પુરજોશમાં ઝુંબેશ શરૂ કરી છે. હાલ જિલ્લામાં ૧૭ હજારથી વધુ ખેડૂતો પી.એમ કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવતા નથી. તેઓને પી.એમ કિસાન ક્રેડિટ આપવા માટે ૧૮ મી સુધી વિવિધ બેંકોમાં કેમ્પ યોજાનાર છે. ત્યારબાદ સરકારી કર્મચારીઓ ગામે ગામ જઈને પણ કામગીરી હાથ ધરશે અને ૨૩ મી સુધીમાં તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવાનો લક્ષ્યાંક વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયો છે.

પી.એમ કિસાન લાભાર્થીઓ માટે રાહતવાળી સંસ્થાકીય ધિરાણની સાર્વત્રિક પ્રવેશની સુવિધા માટે એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં પી.એમ કિસાન લાભાર્થીઓને રાહતવાળા સંસ્થાકીય ધિરાણનો લાભ મેળવવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવા માટેની સુવિધા બેંક મારફતે ઉપલબ્ધ કરવામાં આવશે. આ યોજનામાં અત્યાર સુધી ખાતા દીઠ ખેડૂતોને લાભ અપાતો હતો. તેના બદલે પરિવાર દીઠ આ લાભ હવેથી ઉપબલ્ધ કરાશે. આ યોજનાનો લાભ હવેથી પશુ પાલકો, મત્સય ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલા ખેડૂતોને પણ મળશે. જે ખેડૂતો કેસીસી ધારક છે અને પશુપાલન અને મત્સય ઉદ્યોગ પ્રવૃતિ કરે છે તે વધારાની મર્યાદાની મંજૂરી માટે બેંક શાખામાં સંપર્ક કરી શકે છે પ્રોસેંસિગ, દસ્તાવેજી કરણ, નિરિક્ષણ અને ખાતાકીય ફોલિયો ચાર્જ તેમજ રૂપિયા ૩ લાખ સુધીની કેસીસી લોન માટેના અન્ય સર્વિસ ચાર્જ સહિતના તમામ ચાર્જ માફ કરાયા છે.

મોરબી જિલ્લામાં પી.એમ કિસાન ક્રેડિટ કાર્ડના કુલ ૯૭૮૭૧ લાભાર્થીઓ છે. જેમાંથી ૮૦૮૭૯ લોકોના કાર્ડ નીકળી ગયા છે. જયારે ૧૭૧૦૦ લોકોના કાર્ડ કાઢવાના બાકી છે. આ અંગે અધિક જિલ્લા કલેકટર કેતન જોશીએ જણાવ્યું હતું કે બાકી રહેલા લાભાર્થીઓને ૨૩મી સુધીમાં કાર્ડ કાઢી આપવામાં આવનાર છે. ૧૮ મી સુધી લીડ બેન્ક, નાબાર્ડ સહિતની બેંકોમાં કેમ્પો રાખવામાં આવશે. ત્યારબાદ તલાટીઓ તેમજ ગ્રામસેવકો ગામે ગામ કોઈ ખેડૂત બાકી રહી જતા નથી તે ચકાસશે અને જો કોઈ ખેડૂત બાકી હશે તો તેને આ યોજનાનો લાભ અપાવશે. આમ ૨૩ મી સુધીમાં પીએમ કિસાન ક્રેડિટ કાર્ડની કામગીરી સંપૂર્ણ રીતે પુરી કરી દેવામાં આવશે.

સીસીટીવી કેમેરાનો પોલ કયારે ઉભો કરાશે?

 સામાજિક કાર્યકર જીતુભાઈ ઠક્કરે એ ડીવીઝન પોલીસને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે ૨-૩ મહિના પૂર્વે નવાડેલા રોડ પર પોલીસ વિજીલન્સ કેમેરાનો પોલ અજાણ્યા વાહનની ઠોકરે પડી ગયો હતો જે હજુ પુનઃ કાર્યરત કરવામાં આવ્યો નથી આ રોડ સતત આવન જાવનથી વ્યસ્ત રહે છે જેથી સલામતીની દ્રષ્ટીએ આ પોલ પુનઃ કાર્યરત કરવો જરૂરી છે ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા વ્યાપારીઓની જરૂરિયાતને સમજીને આ કેમેરા પોલ પુનઃ કાર્યરત કરાય તેવી માંગ કરી છે. તે ઉપરાંત પનારા પાનથી શરુ કરીને નવાડેલા રોડ, વિજય ટોકીઝથી ગાંધીચોક રસ્તો વનવે જાહેર થયેલ હોય જેની કડક અમલવારી કરાવવામાં આવે તો ટ્રાફિક સમસ્યા હલ થઇ જાય જેથી આ અંગે પણ જરૂરી પગલા ભરવા માંગ કરી છે.

(11:35 am IST)