સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th February 2020

મિંતાણામાં દા'ડાના જમણવાર વખતે ડખ્ખોઃ ભરવાડ પરિવારો વચ્ચે ધોકા-પાઇપથી મારામારીઃ ૧૦ને ઇજા

જમણવારમાં ડાભી પરિવારના ભાઇઓ પીરસવા ઉભા હોઇ બાંભવા પરિવારના લોકોને તેની સાથે બોલવાનો વહેવાર ન હોઇ તેના હાથનું નહિ જમે તેમ કહેતાં બોલાચાલી બાદ જામી પડીઃ સામ-સામી ફરિયાદ

હુમલામાં ઘાયલ પૈકીના ઓઘડભાઇ ડાભી અને રવિ ઉર્ફ રૈયા ડાભી

રાજકોટ તા. ૧૫: ટંકારાના મિંતાણામાં  દા'ડાના જમણવારમાં બોલાચાલી થયા બાદ ભરવાડ પરિવારો વચ્ચે ધોકા-પાઇપથી મારામારી થતાં બંને પક્ષના મળી ૧૦ને ઇજા થતાં ટંકારા સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. ટંકારા પોલીસે આ બનાવમાં સામ-સામી ફરિયાદ દાખલ કરી છે.

મિંતાણા રહેતાં ઓઘડભાઇ સિંધાભાઇ ડાભી (ભરવાડ) (ઉ.૪૦), તેના ભત્રીજા રવિ ઉર્ફ રૈયા ઇન્દુભાઇ ડાભી (ઉ.૨૪), રાહુલ ઇન્દુભાઇ ડાભી (ઉ.૨૦), રણછોડ ઇન્દુભાઇ ડાભી (ઉ.૨૨), પુત્ર ચના ઓઘડભાઇ ડાભી (ઉ.૨૫) અને ભાઇ ઇન્દુભાઇ સિંધાભાઇ ડાભી (ઉ.૪૨) સાંજે સાડા આઠેક વાગ્યે ગામમાં રતાભાઇ બાંભવાની ચાની લારી પાસે હતાં ત્યારે રતા, લઘુ, કાળા, રમેશ, ગોકળ, વિક્રમ, ગોૈતમ અને જાલા બાંભવા સહિતનાએ ગેરકાયદે મંડળી રચી ધોકા-પાઇપથી હુમલો કરી તમામને ઘાયલ કરી ગાળો દઇ ધમકી આપતાં ટંકારા સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં.

સામા પક્ષે વિક્રમ રાણાભાઇ બાંભવા (ઉ.૨૪), લધુભાઇ સિંધાભાઇ બાંભવા (ઉ.૫૦), જાલા સોઢાભાઇ બાંભવા (ઉ.૩૫) અને ગોૈતમ રતાભાઇ બાંભવા (ઉ.૨૭) પણ પોતાના પર ઇન્દુભાઇ, ઓઘડભાઇ, રૈયા, ચના, રણછોડ, રાહુલ સહિતે હુમલો કર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ બંને એન્ટ્રી ટંકારા પોલીસ મથકમાં નોંધાવી હતી.

ટંકારા પોલીસે રૈયા ઇન્દુભાઇ ડાભીની ફરિયાદ પરથી જાલા બાંભવા, કાબા, ગોૈતમ રમેશ, ભગુ, ગોકળ, વિક્રમ અને લધુ સામે તથા વિક્રમ રાણાભાઇ બાંભવાની ફરિયાદ પરથી ઇન્દુભાઇ, ઓઘડભાઇ, રૈયા, રણછોડ, ચના, ઓઘડ, રાહુલ સામે ગુના દાખલ કર્યા છે.

રવિ ઉર્ફ રૈયાએ જણાવ્યા મુજબ ગામના ભગુભાઇ ખાટરીયાનું અવસાન થયું હોઇ ગઇકાલે તેમના દા'ડાનો જમણવાર હોઇ તેમાં હું તથા મારા બે ભાઇઓ રાહુલ અને રણછોડ પીરસવામાં ઉભા હતાં. બાંભવા પરિવારને અમારા ડાભી પરિવાર સાથે બોલવાનો વહેવાર ન હોઇ જેથી એ લોકોએ 'ડાભીના છોકરાવના હાથે પીરસેલુ નહિ જમીએ' તેમ કહેતાં બોલાચાલી થઇ હતી.  એ પછી અમને ફોન કરીને રતાભાઇની ચાની કેબીને વાત કરવાના બહાને બોલાવી કાવત્રુ ઘડી હુમલો કરાયો હતો. પીએસઆઇ એલ. બી. બગડા અને સ્ટાફે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:32 am IST)