સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th February 2018

મોરબીમાં વેલેન્ટાઇન ડેમાં બાળકોએ કારની સફર કરી

મોરબીઃ પછાત વર્ગના ૧૦૦ જેટલા બાળકોને લકઝુરીયસ ઓડી, મર્સિડીઝ જેવી કારમાં સવારી કરાવીને અને મોંઘી હોટલમાં ભોજન કરાવીને વેલેન્ટાઈન ડે ની અનોખી ઉજવણી આજે મોરબીમાં કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીની આગેવાનીમાં વેલેન્ટાઈન ડેના દિવસે સંસ્થાએ જોય રાઈડનું આયોજન કર્યું હતું. જેમાં શહેરના પછાત વિસ્તારના બાળકોને ઓડી, મર્સિડીઝ અને બીએમડબલ્યુ જેવી લકઝરી કારોમાં શહેરમાં ફેરવ્યા હતા.જે કારની આગળ પાઈલોટ કાર સાથે સફર કરાવી હતી. તેમજ મોંઘી હોટલમાં ભોજન કરાવ્યું હતું, જેથી બાળકોના ચહેરા પર માસુમ સ્મિત રેલાય ગયું હતું. યંગ ઇન્ડિયા ગ્રુપની અનોખી પહેલ આવકારદાયક હોવાથી આ શુભ અવસરે જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ભાજપ અગ્રણી રઘુભાઈ ગડારા, મંજુલાબેન દેત્રોજા અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગીરીશ સરૈયા પણ પહોંચ્યા હતા અને સંસ્થાની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, પછાત વર્ગના બાળકો વૈભવી વસ્તુઓથી પ્રભાવિત હોય છે અને આવા સુખ ના ભોગવી શકતા હોવાથી લઘુતાગ્રંથી અનુભવતા હોય છે. ત્યારે આ સંસ્થાએ બાળકોનું સ્વપ્ન સાકાર કરીને તેને કારમાં ઘૂમાવ્યા હતા. સાથે જ દરેક સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે તેવી પ્રેરણા આપીને અત્યંત પ્રસંશનીય કાર્ય કર્યું છે. સંસ્થાએ કરેલી પહેલમાં મોરબીના ઉદ્યોગપતિઓ પણ હોશભેર જોડાયા હતા જેને પોતાની કાર અને સમય આપીને બાળકોને ખુશીઓ વહેંચી હતી તે પ્રસંગની તસ્વીર.

(11:24 am IST)