સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th February 2018

ચોટીલાના ખેરડી ગામે ખાચર પરિવારના લગ્ન પ્રસંગે કાઠી સંસ્કૃતિની શાહી પરંપરા, ફૂલેકા, રાજાશાહીની સમો

ચોટીલા તા. ૧૪ : દરેક સમાજની એક આગવી સંસ્કૃતિ હોય છે પરંતુ યુગ સાથે તેમા પરિવર્તન આવતુ હોય છે ત્યારે ચોટીલા આસપાસનાં પંચાળ વિસ્તારમાં કાઠી દરબારોમાં લગ્નનાં રીતરીવાજો અને રસમો ની આગવી પરંપરા આજના યુગમાં પણ રાજાશાહી સમયની યથાવત ટકાવી રાખવામાં સફળ રહયા છે.

સમયની સાથે તાલ દરેક સમાજ મિલાવે છે વાર તહેવાર અને પ્રસંગોની ઉજવણીમાં સાંસ્કૃતિક ફેરફારો આવી ગયા છે પરંતુ પંચાળ થી ઓળખાતા વિસ્તારમાં વસતા કાઠી દરબાર સમાજમાં આજે પણ રાજાશાહી યુગથી ચાલી આવતી પરંપરા અને રીતરસમ મુજબ લગ્નો યોજાય છે જેની ઝલક જોવા અનેક શોખીનો આ લગ્ન સિઝનમાં કાઠી લગ્ન સંસ્કૃતિ જોવા આવતા જોવા મળે છે.

તાજેતરમાંજ ચોટીલા ખાતે રહેતા ખેરડી ગામના મહેન્દ્રભાઇ ખાચરનાં બે પુત્રોનાં લગ્ન પ્રસંગમાં કાઠી સંસ્કૃતિની શાહી પરંપરા શહેરનાં લોકોને જોવા મળી હતી જેમાં વરરાજાઓ અજકણ, બિરજીસ, રજવાડી સાફો, તલવાર, હેમલ પટ્ટો સાથે રજવાડી ઘાટનાં અલંકારો સાથે વરરાજા બગીમાં સાથે શણગરેલ ગાડાઓ, વેલળા, અને કાઠીયાવાડી ઘોડાઓની રસાળ અને કરતબો કરતા અસવારો ને જોવાનો અહલાદક લાહવો સંસ્કૃતિ પ્રેમીઓએ લીધેલો.

કાઠી દરબારોની પરંપરા અંગે મંગળુભાઇ ખાચરે કહેલ કે અમારા સમાજમાં આજે પણ લગ્ન મંડપમાં માત્ર બહેનોની હાજરી હોય છે અને ફુલેકામાં માત્ર ભાઇઓની હાજરી હોય છે જે યુગોથી ચાલી આવતી લગ્નની રસમો કાઠી સમાજનાં રાસરચીલા સાથે આ ૨૧મી સદીમાં પણ યથાવત સમાજમાં જળવાઈ રહેલ છે.

(12:39 pm IST)