સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th February 2018

ઉપલેટાના ફુલારા શેઠની જમીન અંગે ધોરાજી કોર્ટ દ્વારા દાવો રદ

ધોરાજી તા. ૧૪ :.. ઉપલેટાના ફુલારા શેઠની જમીન અંગે ચાલતા વિવાદી કેસમાં ધોરાજીની સીવીલ કોર્ટે વાદી હાજી કાદર અયુબ ફુલારા વિગેરેનો દાવો રદ કર્યો હતો.

ઉપલેટાના અયુબ હાજી મહમ્મદ ફુલારાના વારસ હાજી કાદર અયુબ ફુલારા તથા તેમના અન્ય કુટુંબીજનોએ ધોરાજીની સીવીલ કોર્ટમાં ઉપલેટાના રે. સર્વે નં. ૯પ/૩ પૈકી અને રેવન્યુ સર્વે નં. ૭૧/૪ પૈકી અને સર્વે નં. ૧૭પ પૈકીની મળી કુલ ૮ એકર ર૩ ગુઠા જમીન કે જે હાલ ખુબ જ કિંમતી અને દાવામાં જણાવ્યા પ્રમાણે કરોડો રૂપિયાની બજાર કિંમત ધરાવતી જમીનની માલિકી પોતાની ઠરાવવા માટે તથા તે મુજબની મામલતદારશ્રી એન્ટ્રી પાડી આપે અને આશરે રર લોકોને ખાતેદાર ખેડૂત ઠરાવી આપે તેવી માગણી કરેલી હતી અને આ જમીન અન્ય કોઇને તબદીલ થવા પાત્ર નથી. તેવી માંગણી સાથે ધોરાજી કોર્ટમાં દાદ માંગેલી હતી.

આ કેસમાં અગાઉ સચિવાલય સુધી વાદીઓ તરફે રજૂઆતો કરવામાં આવેલી હતી. જે વાદીઓની રજૂઆત ગ્રાહય રહી ન હતી અને વાદીઓ તરફે રાધીબેન તે ચેત્યાભાઇ માવજીભાઇ કરારાના વિધવા વિરૂધ્ધ સુલતાન વેસ્તા ડામોર વાળો તથા સ્ટેટ ઓફ ગુજરાત વિરૂધ્ધ કોલવાડા ગ્રામ પંચાયતનો ચુકાદો પણ રજૂ રાખેલો અને કાયદાકીય રીતે ભારપૂર્વક દલીલો કરી હતી.

જયારે સરકાર પક્ષે એ. જી. પી. શ્રી કાર્તિકેય મ. પારેખે દલીલો કરી હતી કે અગાઉ કલેકટરશ્રીએ હુકમ ફરમાવેલ છે તેના પર સચિવશ્રીએ મંજૂરીની મહોર મારેલ છે અને વાદીની ફેરતપાસની અરજી પણ રેવન્યુ સચિવશ્રીએ રદ કરેલ છે તેનાથી નારાજ થઇ અને વાદી ગુજરાત હાઇકોર્ટ સુધી લડેલા છે. જે તમામ દસ્તાવેજો પુરાવો  ધ્યાને લેવામાં આવે તો આ દાવો ચલાવવાની અદાલતને હકુમત સુધ્ધા નથી. બીન ખાતેદાર લોકો ખાતેદાર બને અને તેનાથી ખેડૂતોને પણ નુકશાન જાય અને વિશેષમાં અદાલતને હકુમત ન હોવાનું જણાવેલ ખુબ જ લંબાણપુર્વકની દલીલો બાદ સીવીલ જજ શ્રી ભાવીનભાઇ જે. પંડયાએ સરકારશ્રી તરફે એ. જી. પી.એ કરેલી દલીલો ગ્રાહય રાખેલી અને વાદી હાજી કાદર અયુબ ફુલારા તથા અન્ય લોકોનો દાવો ખર્ચ સહિત નામંજૂર કરેલ છે.

(11:28 am IST)