સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

પૂ.ભવ્યમુનિજીનો આજે ૫૫ મો ઉપવાસઃ ૫૫ 'નાની' દીક્ષા અપાઇ

પૂ.રાજેશમુનિ મ.સા.ના શિષ્ય રત્ન સંથારા આરાધક

ગોંડલ,તા. ૧૫ ઃ ગોંડલ સંપ્રદાયના 'જશ'પરિવારના સ્થવીર ગુરુભગવંત સ્વ. શ્રી પ્રેમચંદજી મહારાજ સાહેબના શિષ્યરત્ન અનંત-અનંત ઉપકારી તપસ્વીરાજ ચારિત્રનિષ્ઠ પંડિતરત્ન ગુરુભગવંત બાલબ્રહ્મચારી પરમ પૂજયશ્રી રાજેશમુનિ મ.સા.ના શિષ્યરત્ન અનશન આરાધક પરમ પૂજયશ્રી ભવ્યમુનિજી સા. મૃત્યુને મહોત્સવ બનાવનાર સંથારા તપની સર્વશ્રેષ્ઠ અને ઉત્ત્।મ આરાધના દ્રઢતા અને અડગતાપૂર્વક સમતા અને સમાધી ભાવ સાથે દિવ્યતા અને ભવ્યતામાં આગળને આગળ વધી રહ્યા છે.

સ્થાનકવાસી તથા દેરાવાસી સંપ્રદાયના વરિષ્ઠ સંત મહાત્માઓ તેમજ સ્થવીર પ્રમુખા મહાસતીજી ભગવંતો તેમજ જૈન સિવાયના સંપ્રદાયના ધર્મગુરુઓ, મહંતો આદિ અનશન આરાધક મુનિભગવંતને શુભાશીષ તથા દશર્નાર્થે પધારી રહ્યા છે.

ભગવાન મહાવીર સ્વામીએ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૃપ મોક્ષ માર્ગ કહ્યો છે અને આજ મોક્ષ માર્ગની આરાધનામાં વધી રહેલા પરમ પૂજય ભવ્યમુનિજી મહારાજ સાહેબની મહાન સાધનાની અનુમોદના અર્થે અનેક ભવ્ય આત્માઓએ ઘણા બધા વ્રત નિયમો લીધેલ છે.

આજે તા. ૧૫ના રોજ પૂજયશ્રીને પપમો ઉપવાસ છે અને સુખશાતા પૂર્વક આગળ વધી રહેલ છે. ૫૫ ભાગ્યશાળીઓએ નાની દિક્ષા ગ્રહણ કરેલ છે. સાંજ સમાચારના કરણભાઇ શાહ તથા એમના માતુશ્રી આદિ  આજકાલના ધનરાજભાઇ જેઠાણી, ચંદ્રેશભાઇ જેઠાણી તથા અનિલભાઇ જેઠાણીએ પણ સંથારા સાધક મુનિરાજનો લાભ લીધેલ અને કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરેલ છે.

શ્રી ગોંડલ સંપ્રદાયના સ્થાનકવાસી જૈન સિધ્ધાંત સંરક્ષક સમિતિ-રાજકોટ, શ્રી ઋષભદેવ સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી ઋષભાનન સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી પાર્શ્ચનાથ સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી આનંદનનગર સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી શાંતીનાથ સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી શીતલનાથ સ્થાનકવાસી જૈન સંઘ-રાજકોટ આદિના અગ્રણીઓ તથા શાસન સેવકો ખૂબજ ઉત્સાહ અને ઉમંગપૂર્વક શ્રી સંઘની વૈયાવચ્ચ કરી રહેલ છે તેમ શ્રી ઋષભદેવ સ્થાનકવાસી જૈન સંઘ તથા શ્રી ગોંડલ સંપ્રદાય સ્થાનકવાસી જૈન સિધ્ધાંત સંરક્ષક સમિતિના સહપ્રમુખ/ઉપપ્રમુખ પરેશભાઇ ચંદ્રકાંતભાઇ પટેલની એક યાદીમાં જણાવેલ છે.

(3:40 pm IST)