સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

મકર સંક્રાંતિએ પતંગ ચગાવતા અગાસી પરથી પડી જતાં જૂનાગઢ જિલ્લામાં ત્રણ બાળકોને ઇજા

બે બાળકોની હાલત નાજુક

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૧૫ : ગઇકાલે મકર સંક્રાંતિનું પર્વ લોકોએ શાનદાર રીતે અને ઉમંગ - ઉત્‍સાહ અને ઉજવ્‍યું હતું પરંતુ જૂનાગઢ જિલ્લામાં પતંગ ચગાવતા અગાસી પરથી પડી જતાં ત્રણ બાળકોને ઇજા થઇ હતી.
જેમાં બે બાળકોની હાલત ખૂબ જ નાજુક હોવાનું જાણવા મળેલ છે. જૂનાગઢના ટીંબાવાડી પાસેના મધુરમ વિસ્‍તારમાં હિતેષ વસ્‍તાભાઇ બજાણીયા (ઉ.૧૫) નામનો બાળક પતંગ ચગાવતા અગાસી પરથી ખાબક્‍યો હતો.
આ સગીરને ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ.
આજ પ્રમાણે જૂનાગઢના જોશીપુરા ખાતે રહેતા સગાને ત્‍યાં આવેલ માણાવદર તાલુકાના ખાંભલાના શૈલેષભાઇ નકુમનો પુત્ર ઉત્તમ (ઉ.૮) નામનો બાળક પણ પતંગ ચગાવતી વેળાએ અગાસી પરથી પટકાયો હતો.
આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ચણાકા ગામની માહી હરસુખભાઇ (ઉ.૬) નામની બાળકી અગાસી પર પતંગ ચગાવતા - ચગાવતા નીચે ખાબકતા ગંભીર ઇજા થવાથી તેને જૂનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ.
આ ત્રણ બાળકોમાં માહી અને ઉત્તમને વધુ ગંભીર ઇજા હોય તેથી આ બંને બાળકોને વિશેષ સારવાર માટે સિવિલમાંથી અન્‍યત્ર રીફર કરવામાં આવેલ.
આમ, જૂનાગઢ જિલ્લામાં મકર સંક્રાંતિનું પર્વ ત્રણ બાળકો અને તેના પરિવારજનો માટે ઘાતક સાબિત થતું હતું.

 

(10:50 am IST)