સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th January 2021

મોરબીમાં રિક્ષાના ભાડાની બોલાચાલીમાં યુવકની હત્‍યા

અનીલ યાદવે છરીના ઘા ઝીંકી દેતા મધ્‍યપ્રદેશના વિજય અખાડીયાનું રાજકોટ સિવીલ હોસ્‍પીટલમાં મોત થતા અરેરાટી

રાજકોટ, તા. ૧૫ :. મોરબી મહેન્‍દ્રનગર રોયલ પાર્કમાં નવા બની રહેલા બિલ્‍ડીંગની સાઇટ પર રહી મજૂરી કરતાં મુળ મધ્‍ય પ્રદેશના વિજય શંકરભાઇ અખાડીયા (ઉ.વ.૨૮)ને ૧૩મીની રાતે નવેક વાગ્‍યે એક રિક્ષાચાલકે અગમ્‍ય કારણોસર ઝઘડો કરી પેટમાં છરી ભોંકી દેતાં ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ મોત નિપજતાં બનાવ હત્‍યામાં પરિણમ્‍યો છે.

મોરબીનો અહેવાલ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબીઃ મોરબીમાં રિક્ષાના ભાડા બાબતે બોલાચાલી થતા એક શખ્‍સને યુવાને છરીના ઘા મારી હત્‍યા કરી હતી તો અન્‍ય એક શખ્‍સે મદદગારી કરી હત્‍યારાને રિક્ષામાં બેસાડી રિક્ષા લઈ નાસી ગયાની ફરીયાદ મોરબી બી-ડિવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના પીપળી રોડ પર આવેલ રોયલ પાર્ક નજીક રહેતા મલુ મોહનસિંગ ભાંભોરએ બી-ડિવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપી રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફે રાજો માધવજીભાઈ જોગડિયા રહે. યોગીનગર મોરબી અને આરોપી અનિલ રામસિંગભાઈ યાદવ રહે. યોગીનગર મૂળ-ભૂજવાળા તથા મરણજનાર વિજયભાઈ શંકરભાઈ અખાડીયા (ઉ.વ.૨૮)ને રીક્ષાના ભાડા બાબતે બોલાચાલી થતા આરોપી રાજેશ ઉર્ફે રાજુએ મરણજનાર વિજયને પીપળી રોડ પર રોયલ પાર્ક સોસાયટી નજીક છરીના ઘા મારી પેટમાં તથા પડખામાં તથા ડાબા હાથના કાંડા ઉપર છરીથી ઈજા કરી વિજય અખાડીયાનું મૃત્‍યુ નિપજાવી આરોપી અનિલ યાદવે રીક્ષા જીજે ૩૬ યુ ૬૨૨૫વાળી ચલાવી આરોપી રાજેશ ઉર્ફે રાજુને પાછળ બેસાડી રીક્ષા લઈ નાસી ગયા હોવાની ફરીયાદ મોરબી એ-બી ડિવીઝનમાં નોંધાઈ હતી. જે મામલે પીઆઈ આઈ.એમ. કોઢીયાએ વધુ તપાસ ચલાવી બન્ને આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક યુવક બે ભાઈઓમાં અને એક બહેનમાં મોટો હતો અને અપરણીત હતો. ૧ મહિનાથી મોરબી કામ માટે આવ્‍યો હતો.

આ મકાનમાં ઉપરના માળે રહેતા કાકા ઈન્‍દ્રસિંહ તેરસિંહ અખાડીયાએ જણાવ્‍યુ હતુ કે અવાજ થતા અમે નીચે આવતા રિક્ષા ચાલક હત્‍યા કરીને નાસી છૂટયો હતો.

(11:31 am IST)