કેબીસીમાં કચ્છના પાબીબેન રબારીને બીગ-બીએ કહ્યુ... હિન્દુસ્તાન કા વો આયના હે જહા ઇન્સાનિયત કા ચહેરા સાફ નજર આતા હૈ...
આજે 'કર્મવીર' એપીસોડમાં હસ્ત કલાકાર 'પાબીબહેન પર્સવાળા' ચમકશે
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧પ : આજે તા. ૧પને શુક્રવારે અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત ''કોન બનેગા કરોડપતિ''ના એપીસોડમાં ''કર્મવીર'' શ્રૃંખલામા કચ્છના હસ્તકલાકાર પાબીબેન રબારી ચમકશે.
આજે રાત્રીના ૯-૩૦ વાગ્યે સોની ટીવી ઉપર કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં કેબીસી કર્મવીર તરીકે કચ્છના હસ્તકલાકાર પાબીબહેન રબારી આવવાના છે
તેઓ પાબીબહેન પર્સવાળા તરીકે પણ જાણીતા છે કચ્છનું ગૌરવ રાષ્ટ્રીય ફલક પર ઝળકશે.
સોની ટીવીના પ્રખ્યાત શો કૌન બનેગા કરોડપતિ જેનું વિશ્વના ૧૭૦ થી વધારે દેશોમાં પ્રસારણ થાય છે અને ૩૭ મિલીયનથી પણ વધારે દર્શક ધરાવતા અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા સંચાલીત આ શોમાં પહેલીવાર કચ્છ અને ગુજરાતના 'કર્મવીર' તરીકે પાબીબેન રબારીની પસંદગી કરવામાં આવી છે.
પાબીબેન કોમ નામની ગ્લોબલ બ્રાન્ડ સ્થાપિત કરીને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે.
કારીગર કિલનીક દ્વારા તૈયાર કરવામાં આવેલા લોકલ ગીફટ બોકસ અમિતાભ બચ્ચન અને અનુપમ ખેરને આપવામાં આવ્યા હતાં. જે જોઇને તેઓ અભિભૂત થયા હતાં. અને બચ્ચનજીએ કહયું, 'પાબીબેન હિન્દુસ્તાન કા વો આયના હૈ જહાં ઇન્સાનિયત કા ચહેરા સાફ નજર આતા હૈ.'
કારીગર કિલનિકના નીલેશ પ્રિયદર્શીએ વાત કરતાં કહયું કે, લોકડાઉનના સમયથી કેબીસી સાતે વાતચીત ચાલતી હતી. ઘણા બધા ઇન્ટરવ્યુ અને વીડીયો કોલ પછી આ પ્રસિધ્ધ શો માટે પાબીબેનનું સિલકેશન થયું છે. કારીગરને આટલું મોટું માન સન્માન મળે તે આપણા સૌના માટે ગર્વની વાત છે.
બોલીવુડના સેલિબ્રિટી અનુપમ ખેર પણ પાબીબેન સાથે શોમાં જોડાયા હતાં. કેબીસીની ટીમે તાજેતરમાં ભાદ્રોઇ ગામની મુલાકાત લીધી હતી અને શૂટીંગ કર્યુ હતું. અને પાબીબેનની સંઘર્ષ યાત્રાને દર્શાવતી ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવી હતી.