સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

વ્યાજખોરોના ત્રાસથી વંથલીના નગડીયા ગામના પ્રૌઢનો આપઘાત

પુત્રની પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ

જૂનાગઢ તા. ૧પઃ વ્યાજખોરોનાં ત્રાસથી વંથલીનાં નગડીયા ગામનાં પ્રૌઢે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળેલ છે.

મૃતકના પુત્રએ પાંચ શખ્સો સામે ફરિયાદ કરતાં વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.

વંથલી તાલુકાનાં નગડીયા ગામનાં વિનોદભાઇ સાંગાણી નામનાં પ્રૌઢે મેંદરડાનો તુષાર આહિર અને નરેન્દ્ર નામનાં શખ્સ પાસેથી અઢી લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજે લીધા હતા.

જેની સામે બંને વ્યાજખોરોએ વિનોદભાઇને તેમની જમીન ખાતે કરી દેવા દબાણ કરી ધમકીઓ આપી હતી.

તેમજ વિજય રાજપુત, મનોજ રાજપુત અને રાજુ નામનાં શખ્સે વિનોદ સાંગાણી પાસેથી ગોપાલ ફાયનાન્સમાંથી લોન કરાવી દેવાનાં બહાને રૂ. પ૦ હજાર પડાવી લઇ લોન કરી આપેલ નહિં.

આથી ત્રાસી જઇને તા. ૧૩નાં રોજ બપોરનાં વિનોદભાઇએ મોતને મીઠું કરી લીધું હતું. આ અંગે મૃતકનાં પુત્ર હિરેનભાઇએ ગઇકાલે ફરિયાદ કરતાં વંથલી પોલીસે પાંચેય શખ્સો વિરૂધ્ધ કલમ ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ પી.એસ.આઇ. એન. બી. ચૌહાણ ચલાવી રહ્યા છે.

(3:48 pm IST)