સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

ઉના દલિત અત્યાચારના પીડિત પરિવારને ન્યાય અપાય નહીં તો ઇચ્છા મૃત્યુની મંજૂરી આપવા રાષ્ટ્રપતિને રજૂઆત

દોઢ વર્ષ પહેલા અત્યાચાર બાદ રોજગારી માટે ખેતી જમીન ફાળવવા અનેક રજૂઆતો છતાં દાદ મળતી નથી

 ઉના તા. ૧પ :.. આશરે દોઢ વર્ષ પહેલા દલિત અત્યાચારનો ભોગ બનેલ ઉનાના મોટા સમઢીયાળાના પીડિત પરિવારને રોજગાર માટે સરકારમાં વખતો વખત રજૂઆત બાદ ન્યાય ન મળતા વશરામભાઇ બાલુભાઇ સરવૈયાએ કલેકટર હસ્તક રાષ્ટ્રપતિને આવેદન આપીને ઇચ્છા મૃત્યુની મંજૂરી આપવા માગણી કરી છે.

 

મોટા સમઢીયાળાના વસરામભાઇ બાલુભાઇ સરવૈયાએ કલેકટર હસ્તક રાષ્ટ્રપતિને પાઠવેલ આવેદનમાં જણાવેલ કે ઉના દલિત અત્યાચારના બનાવના ભોગ બનનાર પરીવારને રોજગારી માટે ખેતીની જમીન ફાળવવા ખાસ કિસ્સામાં કામગીરી કરવા બાબતે તેમજ ભારતના નાગરીક તરીકેનો જે દરજજો છે તે મુજબ તમામ માગણી બાબતે તાત્કાલીક ધોરણે કામગીરી કરવામાં બાબત અથવા નાગરીકતા સંશોધન બીલ મુજબ નાગરીકતા રદ કરવા અથવા માગણી મુજબ અમને ઇચ્છા મૃત્યુની પરવાનગી આપવા બાબતે માગણી કરી છે.

 

અરજદાર મોટા સમઢીયાળાના અનુજાતિના પરીવારના સભ્યો હોય અને હાલ અમો પાસે કોઇ રોજગારી કોઇ સાધન ન હોય તેથી રોજગારી હેતુ ખેતીની જમીન ફાળવવા બાબતે સમક્ષ માગણી છે.

આ માગણી સહ ફરીયાદ છે કે અમો ઉના દલીત અત્યાચારનો ભોગ બનનાર પરિવારના સભ્ય હોય અમે ઉના દલીત અત્યાચાર કાર્ડ બાદ રોજગારીના તમામ સાધનો છીનવાઇ ગયા હોય અને હાલ કોઇ રોજગારી માટે કોઇ વ્યવસ્થા ન હોય તેથી અમોની રોજગારી માટે તથા તમામ લાગુ વિભાગો દ્વારા રજૂઆતને ખાસ કિસ્સામાં લઇ અને ભોગ બનનાર પરીવારને તાત્કાલીક ધોરણે સરકારશ્રીની પડતર કે ખરાબાની જમીન અમો ભોગ બનનાર પરીવારને ખેતી કરવા માટે ફાળવવામાં આવે તેવી માગણી છે.

ભોગ બનનાર પરીવારને સરકારના તમામ જવાબદાર વિભાગો દ્વારા ભારતના નાગરીક ગણતા ના હોય તેથી કુટુંબના તમામ સભ્યોની નાગરીકતા રદ કરી કોઇ દેશમાં સ્થળાતરીત કરવામાં આવે કે જયાં અમોને નાગરીક તરીકેનો દરજ્જો મળે તેમજ સાથે કોઇ પણ પ્રકારનો ભેદ ભાવ ન હોય અને આ બાબતે કોઇ યોગ્ય કામગીરી કરવામાં ચુકશો તો ભોગ બનનાર પરીવારને ઇચ્છા મૃત્યુની પરવાનગી આપવામાં આવે, કારણ કે, જો અમોને નાગરીક તરીકે દરજ્જો ન મળે અને સતત અત્યાચારનો ભોગ બનવું પડે તેમજ અને ન્યાય આપવાની કામગીરી થાય નહીં તો આત્મવિલોપનની ચીમકી વશરામભાઇ સરવૈયાએ આવેદનમાં આપી છે.

(11:55 am IST)