સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

નાસ્તો બનાવવા માટે મોટા ભાઇ સાથે ચડભડ થતાં ૧૯ વર્ષની અસ્મિતાનો ફાંસો ખાઇ આપઘાત

ચોટીલાના સણોસરાની કોળી યુવતિએ સંક્રાંતને દિવસે પગલુ ભર્યુઃ રાજકોટ સિવિલમાં સારવારમાં મોતઃ ભાઇની એક જ બહેન હતી

રાજકોટ તા. ૧૫: ચોટીલાના સણોસરામાં મકર સંક્રાંતને દિવસે ૧૯ વર્ષની કોળી યુવતિને મોટા ભાઇ સાથે નાસ્તો બનાવવા બાબતે ચડભડ થતાં માઠુ લાગી જતાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

સણોસરા રહેતી અસ્મિતા જેસીંગભાઇ પરમાર (કોળી) (ઉ.વ.૧૯) ૧૪મીએ સવારે આઠેક વાગ્યે ઘરે લાકડાની આડીમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં ભાઇઓ જોઇ જતાં નીચે ઉતારી બેભાન હાલતમાં ચોટીલા  અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ અહિ સાંજે મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા જાણ કરી હતી.

આપઘાત કરનાર અસ્મિતા ધોરણ-૧૧માં ભણતી હતી. તે બે ભાઇની એકની એક નાની બહેન હતી. તેના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. સવારે સોૈથી મોટો ભાઇ શૈલેષ બહાર ગયા હતો. એનાથી નાનો અનિલ ઘરે હતો. તેણે બહેન અસ્મિતાને નાસ્તો બનાવી આપવાનું કહેતાં તેણી લેશન કરતી હોઇ ના પાડતાં ચડભડ થઇ હતી. આ કારણે માઠુ લાગ્યું હતું. નાનો ભાઇ ન્હાવા ગયો અને બહાર આવ્યો ત્યાં બહેનને લટકતી જોઇ હતી. ચોટીલા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:45 am IST)