સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

સિહોરના કનાડમાં પુત્રના હાથે પિતાની હત્યા

વાડીએથી વહેલા કેમ આવ્યા ? તેમ કહેતા ઉગ્ર બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા પુત્ર યુવરાજસિંહે હકુભા દોલુભા ગોહિલ (ઉ.વ. ૬૦)ને માથામાં ધોકાનો ઘા ફટકારી દીધો

ભાવનગર, તા. ૧૫ :. ભાવનગર જિલ્લાના કનાડ ગામે પુત્રએ પિતાના માથા પર ધોકા ફટકારી હત્યા કરી નાખ્યાનો બનાવ બનવા પામ્યો છે.

ખૂનના આ બનાવથી પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાના સિહોર તાલુકાના કનાડ ગામે રહેતા હકુભા દોલુભા ગોહિલ (ઉ.વ. ૬૦) નામના ખેડૂત મકરસંક્રાંતિના પર્વના દિવસે પોતાની વાડીએ ઘરે આવેલા ત્યારે તેના પુત્ર યુવરાજસિંહ ઉર્ફે હકુભાઈએ તમે વાડીએથી વહેલા કામ ઘેર આવ્યા ? તેમ કહેતા હકુભાઈએ કહ્યુ કે હું હંમણા પાછો ચાલ્યો જઈશ. આ બાબતે પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલા પુત્ર યુવરાજસિંહે પિતા હકુભાના માથાના ભાગે ધોકાના ઘા ઝીંકી દેતા ગંભીર ઈજા થતા લોહીયાળ હાલતે ભાવનગરની સર ટી હોસ્પીટલમાં ખસેડાયેલા, જ્યાં સારવાર દરમ્યાન તેનુ મોત નિપજતા બનાવ હત્યામાં પરીણમ્યો હતો.

આ બનાવ અંગે મૃતકના બીજા પુત્ર વિજયસિંહ હકુભા ગોહિલે પોતાના પિતાની હત્યા અંગે ભાઈ યુવરાજસિંહ વિરૂદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપી યુવરાજસિંહની અટકાયત કરી છે.

આ બનાવની તપાસ સિહોર પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. કે.બી. પરમાર ચલાવી રહ્યા છે. મકરસંક્રાંતિના પર્વે પુત્રના હાથે પિતાની હત્યા થતા કનાડ ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

(11:11 am IST)