સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th January 2020

પૂ.જલારામધામમાં શનીવારથી ગુંજશે શ્રીરામનામના નાદ

પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રી રામકથાનો પ્રારંભઃ અન્નક્ષેત્ર દિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ભવ્ય આયોજન

રાજકોટ તા. ૧પ : માતુશ્રી વિરબાઇમા અને પૂ.જલારામબાપાના સેવાધર્મની ર૦૦ વર્ષથી સતત પ્રજવલિત જયોતની ઉજવણી-અન્નક્ષેત્ર દિશતાબદી મહોત્સવ અંતર્ગત ભજન અને ભોજનના ધામ વિરપુર (જલારામ) માં તા.૧૮ ને શનીવારથી પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રીરામકથાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

તા.૧૮ને શનીવારે સાંજે ૪ વાગ્યે ચિત્રકુટ-જલિયાણધામ, વિરપુર-ગોંડલ રોડ ખાતે વિશાળ સમીયાણામાં પૂ. મોરારીબાપુ પ્રથમ દિવસે શ્રીરામકથાનો પ્રારંભ કરશે. અને  પ્રથમ દિવસે સાંજના ૭ વાગ્યા સુધી પૂ. મોરારીબાપુ શ્રીરામકથાનું રસપાન કરાવશે.

જયારે તા.૧૯ને રવિવારથી તા. ર૬ જાન્યુઆરીને રવિવાર સુધી દરરોજ સવારે ૯-૩૦ થી બપોરના ૧-૩૦ સુધી પૂ. મોરારીબાપુ શ્રીરામકથાનુ સંગીતમય શેલીમાં રસપાન કરાવશે.

પૂ. મોરારીબાપુની રામકથાનુ રસપાન કરવા  દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેશે અને શ્રીરામકથા શ્રવણનો લાભ લેશે.

રામકથાના સફળ આયોજનને આખરી ઓપ પૂ. જલારામબાપા પરિવારની આગેવાનીમાં અસંખ્ય સ્વયંસેવકો આપી રહ્યા છે.

(9:56 am IST)