સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

કોડીનારના રોણાજમાં મુસ્લિમ યુવકની હત્યા બાદ મૃતદેહ સ્વીકારવા ઇન્કાર

પોસ્ટમોર્ટમ માટે અયુબભાઇ શેખના મૃતદેહને જામનગર ખસેડાયો

કોડીનાર, તા. ૧૩ : કોડીનારના રોણાજ ગામમાં મુસ્લિમ યુવક અયુબ હુસેનભાઇ શેખની હત્યા બાદ તેની હત્યા કરનારાને ઝડપી લેવાની માંગ સાથે પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.

રોણાજ ગામનો મુસ્લિમ યુવાન અયુબભાઇ હુસેનભાઇ શેખ (ઉ.વ.આ.૪પ) એ વેલણ ગામે આવેલ જન્નશાહપીરની દરગાહે ચાલીને જવાની માનતા રાખી હોય કાલે વહેલી સવારે રોણાજ ગામેથી અયુબભાઇ માનતા ઉતારવા વેલણ ગામે દરગાહે ગયા બાદ કાલે મોડી સાંજે બાવાના પીપળવા ગામ નજીક વાડી વિસ્તારમાંથી બેરહેમી પૂર્વક હત્યા કરેલી લાશ મળી આવતા આ અંગે કોડીનારના મુસ્લિમ સમાજને જાણ થતાં મુસ્લિમ અગ્રણીઓ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ હત્યા કોણે કરી, શું કામ કરી સહિતના અનેક કારણો હજુ અકબંધ છે.

પોલીસે ઘટના સ્થળે દોડી જઇ લાશનો કબ્જો મેળવી મૃતદેહને કોડીનાર સરકારી દવાખાને ખસેડતા મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો રોષ પૂર્વક સરકારી દવાખાને ઉમટી પડયા હતાં અને લોકોમાં આ બનાવથી ભારે રોષ વ્યાપી ગયો છે. કોડીનાર મુસ્લિમ સમાજ અને મૃતકના પરિવારોએ જયાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા મામલો ગરમાયો છે. દરમિયાન પોલીસની નિષ્ક્રિયતાથી હત્યા થઇ હોવાનું પરિવારજનો આક્ષેપ છે.

(12:54 pm IST)