સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

સરકારે છેવાડાના લોકોને આરોગ્યલક્ષી સુવિધા આપી છેઃ રાજશીભાઇ જોટવા

વેરાવળમાં શ્રેષ્ઠ કામગીરી આશા બહેનોને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું

પ્રભાસ પાટણ ,તા.૧૩:રાજય બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાના અધ્યક્ષસ્થાને વેરાવળ તાલુકા કક્ષાનું આશા સંમેલન આર્ય સમાજ કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે યોજાયું હતું.

આરોગ્ય શાખા દ્વારા આયોજિત આશા સંમેલનમાં રાજયબીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવાએ મહિલાઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે આરોગ્ય પ્રત્યે ચિંતા કરી છેવાડાના વિસ્તારોમાં આરોગ્યલક્ષી સુવિધા પુરી પાડી છે. સરકાર આરોગ્ય લક્ષી સુવિધા મળે તેના માટે હંમેશા સજ્જ છે. છેવાડાના વિસ્તારના લોકો સુધી સરકારે માળખાકીય સુવિધા પુરી પાડી છે. સગર્ભા માતાઓ અને બાળકોના આરોગ્યની સમયસર તપાસ અને સારવાર કરવામાં આવી રહી છે. અને તેમના આરોગ્ય પર સતત દેખરેખ રાખવામાં આવે છે. કોઈપણ પ્રકારની બીમારીનો ભોગ ન બને તે માટે સતત કાળજી રાખવામાં આવે છે. આશાવર્કર બહેનો સતત ફિલ્ડ વર્ક કરે છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી ધર્મેન્દ્રસિંહ રહેવરે જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય શાખા દ્વારા સગર્ભા માતાઓ અને બાળકોના આરોગ્યની ચિંતા કરે છે. કોઈપણ સગર્ભા માતા કે બાળકનું મૃત્યુ ન થાય તે માટે સરકાર કટિબદ્ઘ છે.

વેરાવળ તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આશાબહેન ભાવનાબેન વિસાવડીયા, અસ્મિતાબેન પરમાર, નીતાબેન ગોહેલ, રામીબેન સોલંકી, ગીતાબેન કામળિયા, ભારતીબેન રાઠોડ, મંજુબેન વાળા, અને આશા ફેસી. બહેન મીનાબેન આંબેચડા, નિર્મળાબેન રાઠોડ, માંગુબેન વાજા, દયાબેન ઉષાબેન મેદ્યનાથીને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આદ્રી, આજોઠા, ગોવિંદપરા, પંડવા, ડારી અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા જુદા જુદા વિષય પર રોલપ્લે કરવામાં આવ્યો હતો. તેમજ વકૃત્વ, કવીઝ અને ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત જુદા જુદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આરોગ્યલક્ષી માહિતી અને યોજનાઓની માહિતી માટેના સ્ટોરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

(12:16 pm IST)