સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

લતીપુરને હરિયાળુ બનાવવા સદ્ભાવના માનવ સેવા ટ્રસ્ટ માલાણી પરિવારનો સિંહફાળો

લતીપુર, તા. ૧૩ : જામનગર જિલ્લાના લતીપુર ગામને લીલુછમ્મ બનાવવાની નેમ સાથે રાજકોટ સ્થિત માલાણી કન્સ્ટ્રકશન વાળા ઉમેશભાઇ માલાણી, હર્ષદભાઇ માલાણી અને સેવા ક્ષેત્રે વિખ્યાત એવા સદ્ભાવના માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિજયભાઇ ડોબરીયાએ ખૂબ જ જહેમત ઉઠાવેલ છે. લતીપુર પટેલ સમાજ ખાતે ગ્રામજનોની ઉપસ્થિતિમાં 'પ્રકૃતિને બચાવવા માટે વૃક્ષોની અનિવાર્યતા' અંગે લોકોમાં જાગૃતિ લાવવાની સાથોસાથ લતીપુર પેટા પરાઓ તથા લતીપુર હાઇવે પર જેટલા વૃક્ષો વાવવામાં આવશે તેના માટે ટ્રી ગાર્ડ (પીંજરા) પોતાના તરફથી આપવામાં આવશે એવી ખાત્રી ઉમેશભાઇ માલાણીએ આપેલ અને વૃક્ષો વાવવાની અને તેને જરૂર જણાય ત્યારે પાણી પાવાની વ્યવસ્થા કરવાની જવાબદારી શ્રી વિજયભાઇ ડોબરિયાએ સ્વીકારતા ગ્રામજનોએ તેઓ બંનેને તાલીઓથી વધાવી લીધા હતાં.

લતીપુરના યુવા અગ્રણીઓ વિનોદભાઇ માલાણી અને ગાંડુભાઇ ઝાલાવાડીએ આ બંને સેવાભાવીઓની સેવા પ્રવૃતિને બિરદાવી હત અને લતીપુર ગામ તથા પેટા પરામાં વાવવામાં આવેલ આશરે ૧૦૦૦ જેટલા વૃક્ષો સાથે રહીને વાવડાવ્યા હતાં તથા જયાં જયાં વૃક્ષો વાવાયા ત્યાંના સ્થાનિકોને પોતાની નૈતિક જવાબદારી સમજીને વૃક્ષોનું રક્ષણ કરવાની અને પાણી પાવાની જવાબદારી સોંપી હતી અને લોકોએ તેને સહર્ષ સ્વીકારી પણ હતી.

ઉમેશભાઇ માલાણીએ વૃક્ષોને પાણી પાવા માટે ગામને ટેન્કર પણ લઇ આપ્યું હતું. ગ્રામજનોએ હજુ વધારે વૃક્ષો વાવવાની વિનંતી કરતા આ બંને અગ્રણીઓએ આ માંગણીને સહર્ષ સ્વીકારીને ઉનાળામાં વધુમાં વધુ વૃક્ષો વાવીને લતીપુર ગામને હરિયાળુ બનાવી દેવાની ખાત્રી આપતા ગ્રામજનોએ પણ આ પ્રવૃતિ પોતાના ગામમાં થઇ રહી છે અને તેમાં ગામનો જ ફાયદો છે તેમ સમજીને જોઇએ તેટલો સહકાર આપવાની ખાત્રી આપેલ છે. માલાણી કન્સ્ટ્રકશન પરિવારે હંમેશા લતીપુર ખાતે થતી સામાજિક, સેવાકીય પ્રવૃતિમાં અગ્રેસર રહીને ગામ પ્રત્યેનું ઋણ અદા કર્યું છે.

(12:14 pm IST)