સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th January 2020

'દુઃખ ભરે દિન બીતે રે ભૈયા અબ સુખ આયો રે...'

આઝાદીના ૭ દાયકાબાદ જોડીયાના ૧૭ જત પરિવારોને અંત્યોદય યોજનાનો લાભ મળશે !!

ખુલ્લામાં ઝૂપડા બાંધી પશુપાલનનો વ્યવસાય કરતા પરિવારો માટે જત સમાજના પ્રમુખ હાજી સીમદ બારૈયાની મહેનત રંગ લાવી : તાલુકા પંચાયતની બેઠકમાં જત પરિવારને સરકારી યોજનામાં સમાવવા ઠરાવ પસાર કરી મામલતદારને મોકલાયો : સોલાર સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ અપાશે

જોડીયા તા.૧૩ : જોડિયા અને કુન્નડના સીમાડે ડોલર વિસ્તારમાં ગુજરાતની એક અશિક્ષિત અને પછાત તરીકે સતર જેટલા જત કુટુંબો ઉપરોકત સ્થળે ખુલ્લામાં ઝુંપડા બાંધીને પશુપાલન દ્વારા જીવનચયન કરી રહ્યા છે.

આશ્ચર્યની વાત એ છે કે તેઓ જોડીયા તાલુકામાં મતદાર તરીકે લોકશાહીની દરેક ચુંટણીમાં મતદાર તરીકે મતદાન કરતા રહ્યા છે. ભારતમાં નાગરીકતાનો અધિકાર ધરાવતા હોવા છતા આઝાદીના સાત દાયકા બાદ તેઓને સરકારની દરેક યોજનાથી વંચીત રખાયા છે પ્રશ્ન એ છે કે દોષ કોના...? લોકશાહીના નામે ચુંટાતા પ્રતિનિધિ અથવા સરકારી તંત્રનો ?

ગામથી દૂર સામાજીક અને આર્થિક રીતે પછાત એવા જત કુટુંબોના વહારે આવી જોડીયા જનસમાજના પ્રમુખ હાજી આમદ બારૈયાએ તેવા કુટુંબોને સરકારી યોજનાના લાભ મળે તેવા પ્રયાસ હાથ ધરેલ છે. છેલ્લા એક દાયકાથી જત કુટુંબો વતી સ્થાનિક તંત્ર પાસે રજૂઆત કરી રહ્યા છે.

આ રજૂઆતની ફળશ્રુતી રૂપે ડિસેમ્બર ૧૯માં તા.પં.ની કારોબારી બેઠક મળેલ જેમાં રૂકયાબેન બાવલા અધ્યક્ષસ્થાનેથી ઠરાવ પસાર કરી જોડીયાના સતર જેટલા જત કુટુંબોને અત્યોદય યોજનામાં સમાવેશ કરી મામલતદાર શ્રીને દરખાસ્ત મોકલવામાં આવેલ છે.

આ ઉપરાંત સ્થળથી નજદીક કુંભડ ગામ પંચાયતને ૧૪માં નાણાપંચ હેઠળ જે સ્થળે જત કુટુંબો વસાહત કરી રહ્યા છે ત્યા સોલાર સ્ટ્રીટ લાઇટની સુવિધા આપવા ભલામણ કરાઇ છે. આર્થિક રીતે પછાત એવા જત કુટુંબોને આઝાદીના સાત દાયકા બાદ સરકારી યોજનાનો લાભ મળવાનો છે.

આ બાબત એક ફિલ્મી ગીતની પંકિત યાદ આવે છે, દુઃખ ભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે...!(૪૫.૮)

(12:14 pm IST)