સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 15th January 2019

વીસ દિ' બાદ જે પ્રભુતામાં પગલા પાડવાની હતી તેવી કોડભરી હર્ષા રાદડીયાનું કરૂણ મોતથી અરેરાટી

ભાવી ભરથાર સાથે દર્શને જઇ રહેલ જામકંડોરણાની પટેલ યુવતિ સાથે કમૂરતાના અંતિમ દિને કાળે ક્રુર રમત રમીઃ નવાગઢ પાસે ગોંડલના હાર્દિક ખુંટની ગાડી આડે ઉતરેલ કુતરાને બચાવવા જતા ભાવિ જીવનસંગીનીને ગુમાવી પડી

નવાગઢ, તા. ૧પઃ નેશનલ હાઇવે-વે પર કુતરૂ આડુ ઉતરતા તેને બચાવવા જતા કાર ડીવાયડર સાથે અથડાતા કારમાં બેઠેલ યુવતિનું ગંભીર ઇજા સાથે સારવાર દરમ્યાન મોત નિપજેલ.

આ બનાવની વિગત એવી કે, જામકંડોરણા ગામે છાત્રાલય પાસે રહેતા અશોકભાઇ લક્ષ્મણભાઇ રાદડીયા કે જેઓ ખેતીકામ કરે છે તેની પુત્રી હર્ષાબેન (ઉ.વ.ર૩) વાળીની સગાઇ ગોંડલ ખાતે રહેતા હાર્દિક જયેશભાઇ ખુંટ સાથે થયેલ. બન્ને દર્શન જવાનું હોય હાર્દિકભાઇ પોતાની કાર લઇ જામકંડોરણા સાસરે ગયેલ. ત્યાંથી ગઇકાલે મકર સંક્રાંતીના દિવસે સવારે ગોંડલ બાજુ જવા પોતાની કારમાં હર્ષાબેનને બેસાડી નીકળેલ.

દરમ્યાન જેતપુર તત્કાલ હનુમાન ચોકડી આગળ પહોંચવા કાર આડે કુતરૂ આવતા તેને બચાવવા જતા હાર્દિકભાઇએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડીવાયડર ઉપર ચડી જતાં તેની બાજુમાં બેઠેલ તેની ભાવી પત્ની હર્ષાબેનને માથા સહિત ગંભીર ઇજાઓ થતા તાત્કાલીક સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલે ખસેડેલ. ઇજા ગંભીર હોય સારવાર દરમ્યાન તેણીનું મોત નિપજેલ. પોલીસે હર્ષાબેનના પિતા અશોકભાઇની ફરીયાદ પરથી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મરણજનાર હર્ષાબેનના લગ્ન વીસ દિવસ બાદ તા. પ ફેબ્રુઆરીના રોજ થવાના હતા જે ઘરમાં દિકરીના લગ્નગીત ગવાવાના હતા ત્યાં મરસીયા ગવાતા રાદડીયા પરિવાર પર આભ ફાટી પડયું હતું.

જેતપુરના મોટા ગુંદાળા ગામે જુગાર રમતા ૩ શખ્સો ઝડપાયા

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જેતપુર તાલુકાના મોટા ગુ઼દાળા ગામે જુગારધામ ચાલતું હોવાની બાતીમના આધારે તાલુકા પો.સ્ટેના ભુરાભાઇ માલીવાડ, સહિતના નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન મોટા ગુંદાળા ગામની સીમમાં આવેલ ખેતરમાં જુગાર અંગેની રેડ કરતા અરૂણ વલ્લભભાઇ કાકડીયા તેના ભાઇના ખેતરમાં જુગારધામ ચલાવતો હોય તીનપતીનો જુગાર રમતા ચંદુ ઉકાભાઇ અભંગી (રહે. ગુંદાળા) હરી આંબાભાઇ બારૈયા (રહે. ભુતવળ) તથા અરૂણ કાકડીયાને રોકડ રૂ. ૧૯,૦૬૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ.

 

(11:38 am IST)